Get The App

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ માણાવદર 15 ઈંચ, જુનાગઢ, દ્વારકામાં 10,ધોરાજી 7 ઈંચ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ માણાવદર 15 ઈંચ, જુનાગઢ, દ્વારકામાં 10,ધોરાજી 7 ઈંચ 1 - image


અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજ્યના સવાસો તાલુકામાં 1થી 10 ઈંચ સચરાચર વરસાદ :  માણાવદરના 19 ગામો, ઉપલેટાના 2 ગામો વિખુટા પડયા,અનેક સ્થળે કમરડૂબ પાણીઃ જુનાગઢ, મેંદરડા, વંથલી 12,વિસાવદર 10 ઈંચ, ખંભાળિયા,કલ્યાણપુર 9થી 10 ઈંચ

Saurashtra Rain Update : સૌરાષ્ટ્રમાં હજુ અષાઢ તો બાકી છે ત્યારે જેઠ માસના કૃષ્ણપક્ષમાં આજે જૂલાઈના આરંભ સાથે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબોળ કરી દીધું હતું. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 15 ઈંચ મુશળધાર વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું. તો દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત  ભારે વરસાદ થયો છે.

રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર,ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી,ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર આજે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.

વ્યાપક વરસાદથી મગફળી સહિત કૃષિપાકોનું ચિત્ર ઉજળુ બન્યું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. તેમજ અસહ્ય બારા ગરમીમાં નોંધપાત્ર્ રાહત મળી હતી અનેક સ્થળે મહત્તમ તાપમાન 3- સે.ની નીચે જતું રહ્યું હતું. ધોધમાર વરસાદના માહૌલથી બજારોમાં ચહલપહલ પણ મંદ થઈ હતી. 

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં મુશળધાર 15  ઈંચ વરસાદથી થાપલા, કોડવાવ, સમેગા,પીપલાણા, સરાડીયા, ચિખલોદ્રા, દેશીંગા, મરમઠ, વેકરી, લીંબુડા, ઈન્દ્રા, શેરડી, ગણા, ભિંડોરા, વડા, પાદરડી, મટીયાણા, આંબલિયા એ 19 ગામો રસ્તા માર્ગે સંપર્ક વિહોણા થયા હતા. ઉપલેટા પંથકના ભીમોરા અને લાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જુનાગઢથી ધોરાજી વચ્ચેનો રસ્તાા સહિત સૌરાષ્ટ્રના અનેક આંતરિક માર્ગો પાણીમાં ડુબતા, પૂરના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. 

સોરઠમાં ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું હતું, માણાવદર ઉપરાંત માળિયા હાટીનામાં આજે સાંજે 6થી 8 વચ્ચે ધોધમાર વધુ 3 ઈંચ સાથે 8 ઈંચ વરસાદ વરસ્યોહતો.  જુનાગઢમાં 10 ઈંચ, વંથલીમાં 12 ઈંચ, મેંદરડામાં 11 ઈંચ, વિસાવદરમાં અને કેશોદ તાલુકામાં 9 ઈંચ, ભેંસાણમાં 8 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં અતિશય ભારે વરસાદ આજ સાંજ સુધીમાં નોંધાયા બાદ પણ વરસાદ જારી રહ્યો હતો.

સાંજે 6 વાગ્યા પછી પણ  કેશોદ, વંથલી, જુનાગઢમાં બે-બે ઈંચ તથા માણાવદર, મેંદરડા, વિસાવદમાં એક ઈંચ વરસાદ રાત્રિના આઠ સુધીમાં વરસ્યો હતો. ચોતરફ ભારે વરસાદથી લોકોની અવરજવર સ્થગિત થઈ ગઈ હતી. જુનાગઢ જિલ્લાના અનેક માર્ગો બંધ થયા હતા, જોષીપુરા,ઝાંઝરડા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, અનેક શાળાઓએ વરસાદની સ્થિતિ જોઈને રજા જાહેર કરી દીધી હતી. 

દેવભુમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશના પ્રસિધ્ધ યાત્રાધામ પર ઈન્દ્રદેવ મન મુકીને વરસ્યા હતા અને 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકાના અનેક વિસ્તારો જળબંબાકાર થતા લોકોને હાલાકી થઈ હતી. ખંભાળિયામાં મોડી સાંજે ધોધમાર 2 ઈંચ સહિત આજે સાડા આઠ ઈંચ વરસાદ વરસી જતા બજારો સૂમસામ બની હતી અને ઘી અને તેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.

દ્વારકામાં સતત બે દિવસથી ભારે વરસાદથી ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ઘી ડેમમાં એક માસનું પાણી સંગ્રહિત થયું અને નવી ભારે આવક જારી રહી હતી. સ્ટેશન રોડ વિસ્તારમાં વૃધ ધસી પડયું હતું. અનેક નાના જળાશયો અને ચેકડેમો છલકાયા હતા. જામકલ્યાણપુર તાલુકામાં સવા આઠ ઈંચ વરસાદ બાદ સાંજે વધુ અર્ધો ઈંચ સહિત આશરે ૯ ઈંચ પાણી વરસી ગયું હતું. ભાણવડમાં સાંજ સુધી ૨ ઈંચ પછી મોડી સાંજે વધુ એક ઈંચ વરસાદ વરસ્યો છે. 

સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની કૃપા વરસી હતી. ઉનામાં બે ઈંચ તથા કોડીનારમાં સવારથી રાત્રિના આઠ સુધીમાં પાંચ ઈંચ ધોધમાર વરસાદ સાથે પાણી ભરાતા મુખ્યમાર્ગો પર નીકળવું પણ મૂશ્કેલ બન્યું હતું. ખેડૂતોમાં સચરાચર વરસાદથી આનંદ છવાયો છે, તાલુકાના શિંગોડા ડેમમાં ૩ ફૂટ નવા નીરની આવક થઈ છે. સોમનાથ જિલ્લામાં આ ઉપરાંત સૂત્રાપાડા અને ગીર ગઢડા તાલુકામાં રાત્રિ સુધીમાં સાડાત્રણ ઈંચ,ઉનામાં અને વેરાવળ પાટણમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા પંથકમાં બે કલાકમાં ચાર ઈંચ ધોધમાર વરસાદથી હિરણ સહિતની નદીમાં પાણી વહેતા થયા હતા. 

રાજકોટ જિલ્લા ઉપર પણ મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. ઉપલેટા તાલુકામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં આશરે ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપલેટા તાલુકામાં ભાદર, મોજ અને વેણુ એમ ત્રણ નદીઓ પસાર થાય છે જેમાં ઘોડાપૂર આવ્યા હતા. ભાદર  ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક થઈ છે.ઉપલેટાના મોટીપાનેલી, ઢાંકમાં 6  ઈંચ વરસાદથી ચોતરફ પાણી ફરી વળ્યું હતું. ગોંડલમાં બે ઈંચ વરસાદ સાથે ટાઢોડુ છવાયું હતું.

જામકંડોરણામાં મુશળધાર સાડાત્રણ ઈંચ વરસાદથી ફોફળ ડેમની સપાટી 12.40 ફૂટે પહોંચી છે, અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ધોરાજી શહેર અને તાલુકામાં આજે સાંજ સુધીમાં 6.50 ઈંચ તથા મોટીમારડ, પાટણવાવ, મોટી પરબડી, સુપેડી વગેરે વસિતારોમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ફુલઝર નદીના પૂલ પર ધસમસતા પાણી ફરી વળતા 18 ગામોનો રસ્તો બંધ થયો હતો.જુનાગઢ  તરફનો રસ્તો બંધ થયો હતો, એક કાર પણ આ પૂરમાં તણાઈ હતી પરંતુ, ડ્રાઈવરનો બચાવ થયો હતો.  ઓસમ ડુંગર ઉપરથી પાણીના ધોધ વહેવા શરુ થયા હતા અને રમણીય દ્રશ્ય સર્જાયું હતું. જેતપુરમાં રાત્રે વધુ એક ઈંચ સહિત ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજી પાસેના જામકંડોરણામાં પણ આજે સાંજ સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. 

રાજકોટ શહેરમાં પણ ધીમીધારે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો અને હાથીખાનામાં એક જર્જરિત મકાન ધસી પડયું હતું. સામાન્ય વરસાદે પણ શહેરમાં ભંગાર રસ્તાથી લોકોએ હાલાકી સહન કરવી પડી રહી છે. રાજકોટ નજીકના પડધરી, કોટડાંસાગાણી, લોધિકા, સહિત તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

જામનગર જિલ્લામાં સચરાચર એકથી ચાર ઈંચ વરસાદ વરસતા નદી નાળામાં પૂર આવ્યા હતા. કાલાવડમાં સવારે બે કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ પછી વરસાદ જારી રહ્યો હતો અને રાત્રિ સુધીમાં વધુ એક ઈંચ વરસી ગયો હતો. જામનગર શહેરમાં અઢી ઈંચ વરસાદ, લાલપુરમાં 2 ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ  સહિત અને અન્યત્ર 1 ઈંચ સુધીના વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહર ફરી વળી છે. લોકહૈયે ટાઢક વળી છે. સલાયા-ગોઈંજના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. 

અમરેલીમાં અવિરત મેઘસવારી જારી રહી છે, આજે સવારથી રાત્રિ સુધીમાં રાજુલા તા.માં 3 ઈંચથી વધારે, ખાભામાં અઢી ઈંચ, બગસરામાં 2 ઈંચ, લીલીયા,અમરેલી, જાફરાબાદ તાલુકામાં દોઢથી બે ઈંચ, લાઠી,ધારી, સાવરકુંડલામાં પણ 1  ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 

મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં અઢીથી ત્રણ ઈંચ, વરસાદે તથા વાંકાનેર તાલુકામાં પોણો ઈંચ વરસાદથી રાહત છવાઈ છે. મોરબીના સ્ટેશન રોડ, શનાળા રોડ, સામેકાંઠે સહિત વસ્તારમાં પાણી ભરાયા હતા.  સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત માધવપુરમાં ધોધમાર 7  ઈંચ વરસાદ વરસી જતા મૌસમના પ્રથમ સારા વરસાદથી ખુશીનો માહૌલ છવાયો છે.  એકંદરે વ્યાપક અને ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં એક તરફ ખુશીનો માહૌલ છવાયો છે તો પાણી ભરાવાની સમસ્યાથી હાલાકી પણ સર્જાઈ છે.


Google NewsGoogle News