નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બરોડિયન માનુષ શાહ ચેમ્પિયન
પુરૃષ સિંગલ્સમાં દિલ્હીના પાયસ જૈનને હરાવીને માનુષ નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ બરોડિયન અને બીજો ગુજરાતી ખેલાડી બન્યો
વડોદરા : સુરત ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૮૬મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની પુરૃષોની સિંગલ્સ કેટેગરીની ફાઇનલમાં વડોદરાનાટેબલ ટેનિસ સ્ટાર પેડલર માનુષ શાહ જીત મેળવીને ચેમ્પિયન બન્યો છે. તે સાથે જ વડોદરાના ખેલ જગતમાં ઇતિહાસ રચાયો છે. માનુષ શાહ ટેબલ ટેનિસમાં નેશનલ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન બનનાર પ્રથમ બરોડિયન અને બીજો ગુજરાતી ખેલાડી બન્યો છે.
નેશનલ ચેમ્પિયનશિપમાં, માનુષે ક્વાર્ટર ફાઇનલમાં સુરતના માનવ ઠક્કર સહિત ગુજરાતના ભારતીય ટીમના બીજા સ્ટાર પેડલરને હરાવ્યા હતા. સેટ સ્કોર ૪-૨ હતો. સેમિફાઇનલમાં, તેમણે પશ્ચિમ બંગાળના અંકુર ભટ્ટાચાર્યને ૪-૦ સેટ સ્કોરથી હરાવીને પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ફાઇનલમાં દિલ્હીના પાયસ જૈનને સેટ સ્કોર ૪-૧ થી હરાવીને પુરુષોનો સિંગલ્સનો તાજ જીતી લીધો છે. તે સાથે વિશ્વના ટોચના ૧૦૦ ટેબલ ટેનિસ પ્લેયરમાં સૌથી નાની ઉમરના ભારતીય પ્લેયર તરીકે સ્થાન મેળનાર ખેલાડી પણ બની ગયો છે. માનુષ શાહે વર્લ્ડ રેન્કિંગમાં ૭૬મો ક્રમ મેળવ્યો છે. તે પુરુષોની ડબલ્સ ટીમમાં વિશ્વના ટોચના ૧૦મા ક્રમે અને મિશ્ર ડબલ્સમાં ૧૪મા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૩ એમ બે વખત ગુજરાતી ખેલાડી હરમીત દેસાઇ ટેબલ ટેનિસમાં નેશનલ ચેમ્પિયન બની ચુક્યો છે.
માનુષે માત્ર વડોદરા શહેર અને જિલ્લાને જ નહીં પરંતું ગુજરાત રાજ્યને પણ ગૌરવ અપાવ્યુ છે એટલે તેની આ ખાસ સિદ્ધિ બદલ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા રૃ. ૨.૫ લાખનું જ્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા રૃ. ૧.૫ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમ એસોશિએશનના સેક્રેટરી કલ્પેશ ઠક્કરે કહ્યું હતું. એસોસિએશનના ઉપ પ્રમુખ અને સાંસદ હેમાંગ જોષીએ માનુષને અભિનંદન પાઠવ્યા હતા.