આજે નૌકાદળ દિન : બરોડા સ્ટેટ પાસે 297 વર્ષ પહેલા પોતાનું નૌકાદળ હતુ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર સશસ્ત્ર નવકાદળ તૈનાત કરાયું હતું : તે સમયે બરોડા સ્ટેટનો પોતાનો પાસપોર્ટ પણ હતો
વડોદરા, તા. 4 ડિસેમ્બર 2022 રવિવાર
રજવાડાના સમયમાં બરોડા સ્ટેટ ધનિક સ્ટેટ ગણાતું હતું બરોડા સ્ટેટ પાસે પોતાની આર્મી હતી એમ પોતાનું નૌકાદળ એટલે કે નેવી પણ હતી. આજે દેશમાં નેવી દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આવો આપણે જાણીએ બરોડા નેવીની વાત
સન 1725માં એટલે કે 297 વર્ષ પહેલાં બરોડા સ્ટેટના પ્રથમ મહારાજા પિલાજીરાવ ગાયકવાડને પેશ્વાઓ દ્વારા બરોડા સ્ટેટમાં મહેસૂલ વસૂલાતના જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિદેશી આક્રમણકારોથી દરિયાકાંઠાને સુરક્ષિત કરવા અને વેપારને વેગ આપવા માટે, નૌકાદળની સ્થાપના કરવામાં આવી હતી અને મરાઠા સૈનિકો સાથે સશસ્ત્ર જહાજો સુરત નજીક આવેલા બિલીમોરા ખાતે તૈનાત કરાયા હતા , કે જ્યાં ગાયકવાડનું બંદર બિલીમોરા સુબા આર્મર હતું.
મરાઠા સામ્રાજ્ય હેઠળનું બરોડા રાજ્ય એકમાત્ર સૌથી ધનાઢ્ય રજવાડું હતું જે દરિયાકાંઠા ધરાવતું હતું કારણ કે તેમાં બેટ દ્વારકા , મોટી દમણ , વેરાવળ ,બિલીમોરા અને ઉમરગાંવ સુધીનો સમાવેશ થતો હતો.
રસપ્રદ વાત એ છે કે જ્યારે બરોડા સ્ટેટ નું નૌકાદળ સુરતથી વલસાડ સુધીના સમુદ્ર પર વિસ્તર્યું ત્યારે પાસપોર્ટ પણ જારી કરવામાં આવ્યા હતા. ધનાઢય હોવા ઉપરાંત બરોડા મરાઠા સામ્રાજ્યમાં એકમાત્ર રાજ્ય હતું કે જે દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હતું. ગાયકવાડના નૌકાદળમાં લગભગ 50 જહાજોનો સમાવેશ થતો હતો. જેમાં વેપાર માટેના માલવાહક જહાજો અને પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચથી સમુદ્રને સુરક્ષિત રાખવા માટે લશ્કરી જહાજોનો સમાવેશ થાય છે.