વડોદરામાં પ્રસૃતિ ગૃહની મહિલાઓને ગ્રાઉન્ડ ફલોર પરથી પહેલાં માળે શિફ્ટ કરાઈ, વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી
Heavy Rain Vadodara : વિશ્વામિત્રી નદીના પટની આજુબાજુ માર્જિનની જગ્યામાં ઊભા કરી દેવામાં આવેલા દબાણના કારણે વિશ્વામિત્રી નદીની ક્ષમતા ઘટી ગઈ છે જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ઝડપથી વધે છે અને તેનું પાણી શહેરમાં ફરી વળે છે.
સયાજી હૉસ્પિટલમાં પણ રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી રાતથી જ ભરાવાના શરુ થયા હતા તથા રોડ પર પાણી આવી ગયું છે. આરાધના સિનેમા તરફના ગરનાળામાંથી કીર્તિ મંદિર થઈને આ પાણી સયાજી હૉસ્પિટલમાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભીમનાથ બ્રિજ તરફથી પાણી સ્ટાફ ક્વાર્ટર્સ થઈને જેલ રોડ થઈ પાછળના ભાગેથી હૉસ્પિટલમાં આવી રહ્યા છે.
સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉક્ટરે જણાવ્યું છે કે, સયાજી હૉસ્પિટલમાં અગમચેતીના પગલારૂપે રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની મહિલા દર્દીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદ અને પૂરના કારણે શહેરના માર્ગો પર અવરજવર બંધ થઈ ગઈ છે જેના કારણે નર્સ અને ડ્રાઇવર સહિતના અન્ય સ્ટાફની પણ ભારે અછત સર્જાઈ છે. જે સ્ટાફ હૉસ્પિટલમાં ગઈકાલે ફરજ પર હાજર હતો તેને જ વધુ 24 કલાક માટે ફરજ પર રાખવામાં આવ્યો છે. તેમજ કેટલાક વૉલિયન્ટર્સની પણ મદદ લેવામાં આવી છે.