બાબરામાં વેપારીનાં નામે બારોબાર રૂા. 73 લાખના આર્થિક વ્યવહાર

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
બાબરામાં વેપારીનાં નામે બારોબાર રૂા. 73 લાખના આર્થિક વ્યવહાર 1 - image


બે ભાઈઓએ અનેક લોકોને નિશાન બનાવ્યા લોન અપાવવાનાં બહાને વેપારી પાસેથી ડોક્યુમેન્ટ મેળવીને જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલાવી લઈ બન્ને ભાઈઓ ઉપયોગ કરતા હોવાનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ

અમરેલી, : અમરેલી જિલ્લાના બાબરામાં લોન આપવાના બહાને બેંક ખાતાઓ ખોલી જાણ બહાર લાખો રૂપિયાના વહીવટ કરતા બે ભાઈનો ભાંડો ફૂટયો છે. લોનના બહાને અલગ અલગ લોકોના બેંકના ખાતામાં આર્થિક ફાયદા માટે ટ્રાંઝેકશનો કરી બેંક ખાતાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો હતો. એક ફરસાણના વેપારીના ખાતામાં  73 લાખથી વધુની રકમના જાણ બહાર વહેવારો થતાં પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

બાબરા શહેરમાં ફરસાણનો ધંધો કરતા હિતેશભાઈ મનુભાઈ ધંધુકિયાએ રહીમભાઈ મજીદભાઈ અગવાન અને જાવેદભાઈ મજીદભાઈ અગવાન નામના બે ભાઈઓ વિરૂધ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો કે, આ બંને શખ્સોએ પોતાના આર્થિક લાભ માટે પૂર્વ આયોજિત કાવતરૂં રચીને હિતેશભાઈ તેમજ શહેરના કેટલાક અન્ય લોકોને લોન અપાવવાના બહાને તેમના જરૂરી ડોક્યુમેન્ટસ મેળવી જાણ બહાર ઈન્ડસલેન્ડ બેંક બોટાદ ખાતે ખાતું ખોલાવી જેમાં 47,68,409 તેમજ આઈ.ડી.એફ.સી. ફસ્ટ બેંક ગોંડલ બ્રાન્ચમાં જાણ બહાર ખાતું ખોલાવી રૂા. 26,04,310 જેટલી રકમ મળી કુલ રૂા. 73,72,719  નાં આર્થિક વ્યવહાર કર્યા હતાં. અન્ય કેટલાક લોકોના ખાતાઓ ખોલાવીને લોકોની જાણ બહાર એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક તેમજ ઈન્ટરનેટ બેન્કિંગ પોતાની પાસે રાખી કોઈ પણ યુક્તિ પ્રયુક્તિથી ગુજરાત રાજય તેમજ બહારના રાજયોમાંથી ખાતા ધારકોના ખાતામાં પૈસા મોકલનાર સાથે ડીલ કરી પૈસા અન્ય કોઈ ખાતાઓમાં લેપટોપ તથા મોબાઈલ ફોન વગેરે ઈલેકટ્રોનિકસ ઉપકરણોનો ઉપયોગ કરી અલગ અલગ વહેવારો કરી પોતાનો તથા પૈસા મોકલનારને આર્તિક લાભ પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.

આ બનાવને લઈને હિતેષભાઈ દ્વારા બાબરા પોલીસ મથક ખાતે બંને ભાઈઓ વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ હતી. આ મામલો સામે આવતા અન્ય કેટલાક લોકો પણ બનાવમાં ભોગ બન્યાની સામે આવ્યું હતું. જેથી પોલીસે ગુન્હો નોંધી કાયદેરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News