ગુજરાતની 157 નગરપાલિકાઓમાં કૃષ્ણ વડ રોપવામાં આવશે
Vadodara : ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષા કરવાની આશા સાથે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા 'એક પેડ માં કે નામ' અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક પ્રયાસ કર્યો છે.
હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત 27 ઓગસ્ટ 2024ના રોજ નંદ મહોત્સવના દિવસે ડાકોરથી કરી હતી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે, જે ગુજરાતમાં માત્ર 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. મેં મારા ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલ રાણીપુરા ખાતે આવેલી કોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની 200થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ કૃષ્ણવડને લુપ્તપ્રાય પ્રજાતિના ચોકઠામાંથી દૂર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી દુર્લભ પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે.
આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઈ ચૂક્યા છે. ગુજરાતના અન્ય 5 ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 40 કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં પોતાને વૃક્ષોમાં અશ્વસ્થ એટલે કે પીપળો પોતે છે એવું જણાવ્યું છે. કૃષ્ણ સાથે જોડાયેલ વૃક્ષ એટલે કૃષ્ણવડ. આ વડની જ એક દુર્લભ પ્રજાતિ છે, જેને સંપૂર્ણ વિકસિત થવામાં વર્ષો લાગે છે. કૃષ્ણવડ સાથે એવી લોકવાયકા જોડાયેલી છે કે તેના પાંદડા વળી ગયેલા એટલે કે કટોરા પ્રકારના હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ એમાં માખણ સંતાડીને ખાતાં હતાં અને એટલે જ કૃષ્ણવડને માખણ કટોરા વડ પણ કહેવામાં આવે છે.