Vadodara Flood : બેંકના લોકરોમાં ધૂસ્યા હતા પૂરના પાણી, દસ્તાવેજો અને નોટો પૂરના પાણીમાં ધોવાતા ખાતેદારો પાયમલ
Vadodara Flood : વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ પણ હજુ અનેક પરિસ્થિતિ અને પડકારો શહેરીજનોની સામે ઊભા છે. જેમાં લોકોએ પોતાના ભવિષ્યની કાળજી લઈ સૌથી સુરક્ષિત ગણાતા બેંક લોકરોમાં મુકેલા મહત્વના દસ્તાવેજ કાગળો વિવિધ સહિતની વસ્તુઓ પૂરના પાણીના કારણે પલળી ગયા છે. જેથી હવે નાગરિકોએ વધુ સહન કરવાની નોબત ઊભી થઈ છે.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા પછી લોકો હાલ ઘર સફાઈ અને પોતાના ધંધાની જગ્યાએ ઘુસેલા પાણી ઉલેચવાની પ્રક્રિયા હજુ સંપૂર્ણ પૂર્ણ કરી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક તેઓએ યોગ્ય કામગીરી કરવાની કે સફાઈ પૂર્ણ કરવાની હજુ બાકી છે! ત્યાં જ કેટલીક બેંકો દ્વારા તેમના લોકર ધારકોને પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે, "અમારી શાખામાં આપના લોકરમાં મુકેલ આપનો કિંમતી સામાન આવીને એકવાર તપાસી જવો". આ સાથે જ કેટલીક બેંકોમાં લોક ધારકો ઉમટ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે ફતેગંજ ખાતે આવેલ એક સરકારી રાષ્ટ્રીય બેંકના લોકરમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. જેથી અહીં લોકર તપાસવા આવેલા વિવિધ ખાતેદારોએ પોતાના લોકરની અંદરનો સામાન પલળી ગયેલો જોયેલો હતો. આ મામલે તેઓએ બેન્ક કર્મચારીઓ અને ત્યાંના ફરજ પરના અધિકારીઓ સાથે જીભા જોડી પણ થઈ હતી. ત્યારે આ તબક્કે બેંક તરફથી જણાવવામાં આવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ અમે આપને એફિડેવીટ કરી બેન્કમાં જરૂરી દસ્તાવેજો અને ખાસ કરીને કાગળ રૂપી વસ્તુઓ ન મુકવાની તાકીદ કરી હતી અને તે કદાચ જો તે મૂકી હશે તો તે માટે બેન્ક જવાબદાર નથી તેવું પણ દર્શાવવામાં આવ્યું છે. બેન્ક અધિકારીઓએ આવો જવાબ આપી પોતાના હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે વિવિધ બેંક એકાઉન્ટમાં ખાતેદારોએ મુકેલી પોતાની ચલણી નોટ, દસ્તાવેજ, ફિક્સ ડિપોઝિટ સહિતના મહત્વના કાગળો પલળી ગયા છે. તો જાણવા મળ્યા પ્રમાણે કેટલાક લોકર ધારકોના દાગીના પૂરના પાણીના કારણે કીચડવાળા થઈ ગયા છે. ત્યારે હવે એક તરફ ઘરમાં જો સામાન મૂકીએ તો તસ્કરોના તરખાટનો ભય અને હવે બેંકના લોકરમાં પણ મહત્વના દસ્તાવેજો સલામત નથી. તો હવે નાગરિકોએ શું કરવું? એ એક મોટો સવાલ ઊભો થયો છે.
પત્ર ન આવ્યો હોય તો પણ બેઝમેન્ટમાં લોકર હોય તો તપાસ કરવી
વડોદરા શહેરમાં પૂરના પાણીએ આ વખતે મોટાભાગનો વિસ્તાર જળમગ્ન કરી દીધો હતો. તેના કારણે બેંકમાં પણ પાણી ઘૂસી જવાના બનાવો બન્યા છે. આ તબક્કે વિવિધ બેંક દ્વારા તેમના લોકર ધારકોને તેમના લોકારની તપાસ કરવાનું જણાવવામાં આવે છે. ત્યારે જે લોકર ધારકને તેના લોકરની તપાસ અંગે બેંક તરફથી જો કોઈ પત્ર મળ્યો નથી તો પણ લોકર ધારકોએ એના બેન્કમાં જઈ લોકરની તપાસણી કરી એવી હિતાવહ છે. જેથી તેમના દાગીના અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત છે કે નહીં ? તેની પૂર્તતા થઈ શકે.