બનાસકાંઠા : 8 વર્ષથી અમેરિકામાં બેઠા-બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો, તપાસના આદેશ
Banaskantha Teacher Controversy : બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.
આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 8 વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉઘાડી પડતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રિન્સીપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી
અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે.
શું કહ્યું પ્રિન્સિપાલે?
ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પારૂલબેન મહેતાએ જણાવ્યાનુસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' બાળકોના જણાવ્યાનુસાર, જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી.