ડીસા લૂંટ કેસમાં 7 આરોપી ઝડપાયા, સાબરમતી જેલમાં કેદ આરોપીએ લૂંટારુઓને કરી હતી મદદ
Banaskantha Crime: ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં સોમવારે (14 ઓક્ટોબર) આંગડિયા પેઢીના એક કર્મચારીને લૂંટી લેવાયો હતો. 80 લાખ રૂપિયાની આ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, અને 46 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીને પકડી પાડ્યા છે. જ્યારે 2 આરોપી હજુ ફરાર છે. ચોંકવાનારી વાત તો એ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ એક આરોપીની મદદથી મધ્યપ્રદેશથી તમંચાની ખરીદી કરી લૂંટને અંજામ અપાયો હતો. એકબાજુ બનાસકાંઠા પોલીસની શાનદાર કામગીરી કરી લૂંટારાઓને પકડી પાડ્યા ત્યારે બીજી બાજુ સાબરમતી જેલમાંથી જે પ્રકારે ગુનાખોરી આચરવામાં આવી રહી છે તેને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.
પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે આસપાસના વિસ્તારના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ છેલ્લાં 6 મહિનાથી આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી રહ્યાં હતાં.
શું હતો સમગ્ર બનાવ?
ડીસા શહેરની જૂની કોર્ટ સામે એચ.એમ આંગડિયા પેઢીની ઓફિસ આવેલી છે. સોમવારે (14 ઓક્ટોબર) આંગડિયા પેઢીના માલિક ટીના રાજપૂતના ઘરેથી તેમના ઓફિસનો સ્ટાફ નિકુલ પંચાલ રોકડ રકમ ભરેલો થેલો લઈ ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે એકાએક એક્ટિવા પર બે અજાણ્યા શખસે તેને આંતર્યો અને તમંચો બચાવી રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયાં.
આ રીતે લૂંટને આપ્યો અંજામ
ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે લૂંટારૂઓને શોધવાનું શરૂ કરી દીધું. આસપાસના લગભગ 250 જેટલાં સીસીટીવી કેમેરા ચેક કરી પોલીસે સમગ્ર લૂંટનો ભેદ ઉકેલ્યો અને સાત આરોપીને ઝડપી પાડ્યાં. પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પકો રાવળ, ભાયલાલ ઉર્ફે અરવિંદ દડિયો, સાગર ઉર્ફે કાળિયો ડાહ્યા રાવળ, પ્રેમકુમાર શ્રવણ બારોટ, શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર, હિતેષ રાજુભાઇ પટણી અને કરણસિંહ દિલીપસિંહ સોલંકીને ઝડપી લીધાં છે. આ સાથે હજુ હથિયાર ખરીદવામાં મદદ કરનાર કિશોરકુમાર કાન્તિલાલ લુહાર અને હથિયાર વેચનાર ટીલુ તોમરને પોલીસ શોધી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જૂની અદાવતનો બદલો લેવો ભારે પડ્યો, ગણતરીના કલાકોમાં 2ની ધરપકડ
6 મહિનાથી કરતા હતા રેકી
શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર, હિતેષ રાજુભાઈ પટણી અને કરણસિંહ સોલંકી નામના આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી તેમની અવરજવરનો સમય નોંધતા હતાં. આ ગુનામાં જે તમંચાનો ઉપયોગ કરાયો હતો એ સાબરમતી જેલમાં કેદ આરોપીની મદદથી મધ્યપ્રદેશથી ખરીદાયો હોવાનું સામે આવ્યું છે. લૂંટને અંજામ આપ્યા બાદ જે રકમ મળે એ રકમમાંથી અમુક રકમ ભટામલમાં રહેતા સાગર ઉર્ફે કાળિયા રાવળને આપી દેવાનું નક્કી કરાયું હતું.
સાબરમતી જેલની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસે ખૂબ જ શાનદાર કામગીરી સાથે લૂંટારાઓને તો પકડી પાડ્યા પરંતુ, સાબરમતી જેલમાંથી જે પ્રકારે સમગ્ર ઘટનાને લઈને મદદ કરવામાં આવી તે જેલની કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કરે છે. તેમજ જો આ રીતે જ જેલમાં રહીને ગુનાખોરી આચરી શકાતી હોય તો, ગુનેગારોને જેલમાં પૂરવાનો શું અર્થ તે પણ એક મોટો પ્રશ્ન છે.
લોરેન્સ બિશ્નોઈ બાદ સાબરમતી જેલની બીજી મોટી ઘટના
મહત્ત્વનું છે કે લોરેન્સ બિશ્નોઈ પણ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે અને તેણે મુંબઈમાં બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. જેને લઈને પણ વિવાદ થયો છે કે, જેલમાં બેઠા બેઠા લોરેન્સ કેવી રીતે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે.