'સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો, જીત્યા પછી સમાજને ભૂલી જાવ છો', ગેનીબેનનું કોળી મહાસંમેલનમાં નિવેદન
Koli Maha Sammelan in Vinchhiya: રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખુબ ચર્ચામાં છે. આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવ્યા છે. સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આજે(9 માર્ચ 2025)ના રોજ વિંછીયા ખાતે મહાસંમેલન યોજાયું છે. આ સંમેલન પહેલા કોળી સમાજના તમામ સંગઠનો, મંડળોના પ્રમુખ, મંત્રીઓ, સમાજીક આગેવાનોને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે. ત્યારે કોળી સમાજમાં આ સંમેલનને લઈને બે ભાગ પડ્યા છે. આ બધા વચ્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન યોજાયું છે. જેમાં આમંત્રણ છતાં કોળી સમાજના આગેવાન અને મંત્રી કુંવરજી બાવળીયા ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સંબોધન કરતા ગેનીબેને કોળી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
'સમાજના નામે ચૂંટાતા આગેવાનો કેમ સમાજને ભૂલી ગયા?'
ગેનીબેન ઠાકોરે કોળી સમાજના આગેવાન અને ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા પર આડકતરા પ્રહાર કર્યા હતા. ગેનીબેને કુંવરજી બાવળીયાનું નામ લીધા વિના કહ્યું કે, 'આયોજકોએ તમામ લોકોને આમંત્રણ આપ્યું છે. સમાજના નામે ચૂંટાતા આગેવાનો કેમ સમાજને ભૂલી ગયા. સરકારમાં બેઠેલા આપણાં સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો. ગોડફાધરો પાસે સમાજના નામે ટિકિટ માગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો. પરંતુ ચૂંટણીમાં ચૂંટાઈ ગયા પછી તમે સમાજને કેમ ભૂલી જાવ છો?. મારા માટે સત્તા નહીં પરંતુ સમાજ અગત્યનો છે. સમાજને અન્યાયની વાત આવે તો ખુરશીને લાત મારવી પડે. ન્યાય અપાવવાનો હોય ત્યારે આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ મનો બળ મળત. હાજર રહ્યા હોત તો સારું હતું.'
આ પણ વાંચો: દ્વારકા જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા, ભક્તિ-સેવા-સુરક્ષાનો અદભૂત સમન્વય મળ્યો જોવા
ગેનીબેને કહ્યું કે, 'સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પક્ષપાતથી દૂર રહીને સર્વપક્ષીય આગેવાનોએ સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવું જોઈએ. કોઈપણ વ્યક્તિ જાહેર જીવનમાં આવતા હોય છે ત્યારે કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે એટલે ટિકિટ મળવી જોઈએ. આજે પણ કહેવું જોઈએ કે મારા સમાજને આટલો અન્યાય થયો છે.'
'કોળી સમાજના યુવાનો પર ખોટી રીતે ફરિયાદો કરાઈ'
ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, અનેક સમાજોના કેસ પરત ખેંચાયા છે, જેના ખેંચાયા તેની સામે અમને વાંધો નથી. પરંતુ કોળી સમાજના યુવાનો પર ખોટી રીતે ફરિયાદો દાખલ કરીને હેરાન કરવાના પ્રયત્નો કરાયા છે. આજે કોળી-ઠાકોર સમાજના આગેવાનોએ એટલા માટે સંમેલન યોજ્યું છે કે, જેનાથી અન્યાય થયો છે તેના પરિવારોને પોલીસ તરફથી ન્યાય મળે અને આગેવાનોને હૂંફ મળે. લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો છે તેમના પરિવારની માગણી મુજબ ન્યાય મળે તેવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. હુંવિપક્ષ તરીકેની ભૂમિકા અદા કરીશ.
'ગૃહમંત્રીના કાર્યકાળમાં ગુનાખોરીએ મામ રેકોર્ડ તોડી નાખ્યા'
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે આજે પાંચ-પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો તેમને અભિનંદન આપત, પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા નહોતા.'