Get The App

બનાસકાંઠામાં ખનીજ ચોરીમાં 48 કલાક સર્ચ ઓપરેશન, ભીનું સંકેલવા મોટા ગજાના નેતાના ધમપછાડા

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠામાં ખનીજ ચોરીમાં 48 કલાક સર્ચ ઓપરેશન, ભીનું સંકેલવા મોટા ગજાના નેતાના ધમપછાડા 1 - image
Representative image

Biggest Mineral Theft Was Caught In Banaskantha: બનાસકાંઠા ખાણ અને ખનીજ વિભાગે કાંકરેજના અરણીવાડાની બનાસ નદીમાંથી ગુજરાતના ઈતિહાસમાં સૌથી ખનીજ ચોરી પકડી પાડી હતી. 125 ટ્રક સહિત સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા પાડ્યાના 48 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કેસમાં ભીનું સકેલવા માટે બનાસકાંઠાના મોટા ગજાના રાજકીય નેતા મેદાનમાં પડ્યા છે અને અધિકારીઓને ફોન કરીને ભલામણો અને દબાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

ખનીજ વહન કરતા પકડાયેલા વાહનોમાં જીપીએસ ડેટા નહીં હોય તો સરકારના નિયમ મુજબ દંડ કરાશે 

કાકરેજ તાલુકાના અણીવાડાની બનાસ નદીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા નાસભાગ મચી ગઇ હતી. આ કાર્યવાહીમાં બનાસકાંઠા, પાટણ મહેસાણા, અમદાવાદ અને ફ્‌લાઇંગ સ્કોવર્ડ સહિતની ટીમો બે દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે અને દરોડામાં 125 ટ્રક કબજે કરી હતી. આ તમામ ટ્રકને જગ્યાના અભાવે જે તે સ્થળોએ પોલીસ પહેરા સાથે રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 50 ટકા સરકારી ઈજનેરી કોલેજોમાં કમ્પ્યુટર-AIના અઘ્યાપકો જ નથી

આ દરોડામાં કુલ મુદ્દામાલ સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલો છે. જેમાં તપાસનો મુખ્ય ઉદ્દેશ ઝડપાયેલી ટ્રકોમાં રોયલ્ટી ચોરી કેટલા લોકોએ કરી છે તે શોધવાનો છે અને તે બાદ તમામ દંડનીય કાર્યવાહી કરાશે આ તપાસમાં સપ્તાહનો સમય લાગશે. તેમ ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું છે. જ્યારે પકડાયેલા વાહનોમાં જીપીએસના ડેટા નહી હોય તો પણ સરકારના નિયમ મુજબ દંડ ફટકારવામાં આવશે. 

'સોરી સર, સબ પર કાનુની કાર્યવાહી હોગી'

આ કેસમાં ભીનું સંકેલવા માટે રાજકીય લોબી સક્રિય થઇ છે અને અધિકારીઓને યેનકેન પ્રકારે દબાણ કરી રહ્યાનું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બનાસકાંઠાના મોટા ગજાના નેતાએ ભૂસ્તરશાસ્ત્રીને ફોન કર્યા હતા. ભૂસ્ત્રરશાસ્ત્રીએ નેતાને સ્પષ્ટ જણાવી દીઘું કે, સોરી સર, સબ પર કાનુની કાર્યવાહી હોગી. આ મામલે ખાણખનીજના જિલ્લા અધિકારી ગુરુપ્રીતસિંહે જણાવ્યું હતું કે, 'અનેક ફોન આવ્યા છે. આ બાબતે કંઇ કહેવા માંગતો નથી. સરકારના નિધી અને ફંડને નુકસાન કરી ખનીજ ચોરી કરતા લોકો સામે કાયદા મુજબ કાર્યાવાહી કરવાની છે જે હું પ્રમાણિકતાથી કરી રહ્યો છું.'   

પકડાયેલા વાહનો માટે 15 પોલીસનો બંદોબસ્ત 

શિહોરી પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે, 'સરકારના ખાણ ખનીજ વિભાગની યાદી અને સહકારની વાત મુજબ, શિહોરી પોલીસ મથકના ચાર પોલીસ જવાનો તેમજ 10 જીઆરડી જવાનો સહિતના 14 લોકો જપ્ત કરાયેલા આ વાહનોની સુરક્ષામાં રખાયા છે. આ વાહનોની સુરક્ષા અને વાહન ચાલકો તેમજ તપાસ કરતી ખાણ ખનીજ વિભાગની ટીમ સદસ્યો સામે તપાસ દરમિયાન જાહેર સુલેહ શાંતિ દરમિયાન જાહેર સુલેહ શાંતિ ન જોખમાય, તેની પણ અમો તકેદારી રાખી રહ્યા છીએ.'

ખનીજ ચોરી કેસમાં પકડાયેલા 125 જેટલા ડમ્પરની જેની કિંમત 350થી 400 કરોડ રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ડમ્પર પકડાયા છે તેની સુરક્ષા માટે માત્ર 15 પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કેસની તપાસ થશે, ચાર્જશીટ થશે અને પછી સુનાવણી થશે. લાંબા સમય સુધી આ 400 કરોડના ડમ્પર જપ્ત કરી રાખવામાં આવશે એ અંગે તંત્ર અત્યારે અજાણ હોય અથવા તો મામલો હળવાશથી લઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

બનાસકાંઠામાં ખનીજ ચોરીમાં 48 કલાક સર્ચ ઓપરેશન, ભીનું સંકેલવા મોટા ગજાના નેતાના ધમપછાડા 2 - image


Google NewsGoogle News