સુરત બાદ બનાસકાંઠામાં સામુહિક આપઘાત, એક જ પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું
એક પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં કુદી જીવન ટૂંકાવ્યું
પરિવાર પાલનપુર તાલુકાના નાની ભટામલનો હોવાનું સામે આવ્યું છે
Mass Suicide Banaskantha : ગુજરાતમાં સુરત બાદ બનાસકાંઠાથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી હતી. હવે બનાસકાંઠા જિલ્લામાં આવી જ ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં કુદી જીવન ટૂંકાવ્યું.
મૃતક મહિલાના પતિ અને સસરા સામે નોંધાયો ગુનો
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં એક પરિવારના ચાર સભ્યોએ કૂદી આત્મહત્યા કરી હતી. મારનારામાં સાસુ,વહુ,દીકરી અને દીકરાનો સમાવેશ થાય છે. આ પરિવાર પાલનપુર તાલુકાના નાની ભટામલનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. પરિવારના ચાર સભ્યોના મોત અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે મૃતક મહિલાના પતિ અને સસરા સામે ગુનો દાખલ કર્યો છે.
મૃતક મહિલાના ભાઈએ કરી પોલીસ ફરિયાદ
પોલીસે મૃતક મહિલાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદના આધારે પતિ નારાયણસિંહ ચૌહાણ અને સસરા ગેનીસિંહ ચૌહાણ સામે કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે. તેમના વિરુધ આરોપ છે કે ત્રાસ આપવાના કારણે પરિણીત મહિલાએ તેના બે બાળકો અને સાસુ સાથે ડેમમાં કૂદી પડ્યું. આ મામલે પોલીસે ગામના લોકો અને પડોશીઓના નિવેદન પણ નોંધ્યા છે.