બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી, દાંતામાં સિવિલ બેટમાં ફેરવાઈ, અબાજીમાં રસ્તા પર પાણી ફરી વળ્યા
Banaskantha Rain : યાત્રાધામ અંબાજી સહિત દાંતા તાલુકામાં બુધવારે (26 જૂન) બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. મંગળવારે પંથકમાં અઢી ઈંચ વરસ્યા બાદ બુધવારે પણ બે ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દાંતા સિવિલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
બપોર બાદ મેઘરાજાએ ધમાર્કેદાર એન્ટ્રી કરી
યાત્રાધામ અંબાજી (Ambaji) અને તાલુકા મથક દાતા (Danta)માં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. મંગળવારે આશરે અઢી ઈંચ જેટલો વરસ્યા બાદ બુધવારે પણ 2 ઇંચથી પણ વધુ વરસાદ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી અને તાલુકા મથક દાંતાસહિત સમગ્ર તાલુકામાં બપોર બે બાદ મેઘરાજાએ ધમાર્કેદાર એન્ટ્રી કરી હતી. તેમાં સૌથી કફોડી હાલત દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની થવા પામી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘસવારી, અત્યાર સુધીમાં 33 તાલુકામાં વરસાદ
બજારોમાં પાણીની નદીઓ વહી હતી
વર્ષોથી સિવિલ હોસ્પિટલ નીચાણવાળા ભાગે આવેલી હોય, હોસ્પિટલની પાછળ આવતી ઉકાચલી નદી, જંગલોનું પાણી તથા દાંતા ગામનું પાણી અહીંયા ભેગું થતું હોવાથી, આ સિવિલ હોસ્પિટલ વારંવાર બેટમાં ફેરવાય છે. ગામમાં આવેલી સિવિલને હાઈવે ઉપર લઈ જવા અવાર નવાર રજૂઆતો પણ ચૂકી છે. છતાં કોઈ નક્કર પરિણામ મળતાં નથી. બીજા દિવસે પણ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને કારણે બજારોમાં પાણીની નદીઓ વહી હતી. સાથે-સાથે ગટરના ગંદા પાણી પણ માર્ગ પર ફરી વળ્યા હતા. આ ઉપરાંત હાઈવે પણ બેટ બની જવા પામ્યો હતો.
પાંથાવાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ
દાંતીવાડા તાલુકામાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. પાંથાવાડા (Panthavada)ના અનેક રોડ ઉપર પાણી ભરાયા હતા. રોડ ઉપર મોજા ઉછળી રહ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દાંતીવાડા ધાનેરા અને રાજસ્થાન (Rajasthan)માં વરસાદ પડ્યો હતો જેને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા.