Get The App

રૂ.4.29 કરોડના ગોલ્ડ સ્મગલીંગનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા ઝડપાયો

કોર્ટમાં સરેન્ડર થતા પહેલા SOG એ પકડયો : એરપોર્ટથી બહાર આવી ગયેલી ગોલ્ડ પેસ્ટ લઈ જતા ચારને ડુમસ રોડ પર કારમાંથી ઝડપી લેવાયા હતા

પોલીસથી ભાગતો મૂળ અમરેલીના સાવરકુંડલાનો બળદેવ ઉર્ફે પાર્થ 10 મહિના બાદ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાયરોડ સુરત આવ્યો હતો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
રૂ.4.29 કરોડના ગોલ્ડ સ્મગલીંગનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા ઝડપાયો 1 - image


- કોર્ટમાં સરેન્ડર થતા પહેલા SOG એ પકડયો : એરપોર્ટથી બહાર આવી ગયેલી ગોલ્ડ પેસ્ટ લઈ જતા ચારને ડુમસ રોડ પર કારમાંથી ઝડપી લેવાયા હતા

- પોલીસથી ભાગતો મૂળ અમરેલીના સાવરકુંડલાનો બળદેવ ઉર્ફે પાર્થ 10 મહિના બાદ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાયરોડ સુરત આવ્યો હતો

સુરત, : સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા 10 મહિના બાદ ઝડપાયો છે.પોલીસથી ભાગતો બળદેવ ઉર્ફે પાર્થ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાયરોડ સુરત આવ્યો હતો પણ તે કોર્ટમાં પહોંચે તે પહેલા જ એસઓજીએ પકડી લીધો હતો.એસઓજી આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ડીઆરઆઈને પણ જાણ કરશે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દુબઇથી અંડરવેરમાં બનાવેલા ગુપ્ત ખાના અને બુટમાં છુપાવીને લાવવામાં આવેલી રૂ.4.29 કરોડની સોનાની પેસ્ટ સાથે ફેનીલ રાજેશ માવાણી, નીરવ રમણીક ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાને સુરત શહેર એસઓજીએ ગત 29 એપ્રિલ 2023 ના રોજ ઝડપી પાડી સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.એસઓજીએ ત્યાર બાદ દાણચોરીથી સોનું મંગાવનાર વિશાલ ઉર્ફે વિક્કી ધીરુભાઈ ગાબાણીની પણ ધરપકડ કરી હતી.એસઓજીની તપાસમાં સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા હોવાનું અને તે દુબઈમાં રહી રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
એસઓજીએ તેની તપાસ કરી હતી પણ તે મળ્યો નહોતો.

દરમિયાન, એસઓજીએ મળેલી બાતમીના આધારે આજરોજ બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખભાઈ સખરેલીયા ( ઉ.વ.30, રહે.ફ્લેટ નં.એ/103, કાવેરી હેબીટેડ એપાર્ટમેન્ટ, વ્રજભૂમિ પાછળ, સીમાડા ગામ, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે.નાના ઝીંઝુડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) ને તે કોર્ટમાં સરેન્ડર થવા પહોંચે તે પહેલા જ પકડી લીધો હતો.પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા 10 મહિનાથી પોલીસથી ભાગતો રહી કંટાળી ગયો હતો.આથી કોર્ટમાં સરેન્ડર થવા માટે તે દુબઈથી હવાઈમાર્ગે નેપાળ પહોંચ્યો હતો અને ત્યાંથી બાયરોડ સુરત આવ્યો હતો.એસઓજી આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ડીઆરઆઈને પણ જાણ કરશે.દુબઈથી સોનાની દાણચોરીનું નેટવર્ક ચલાવતા બળદેવ ઉર્ફે પાર્થ શર્માની પુછપરછમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

રૂ.4.29 કરોડના ગોલ્ડ સ્મગલીંગનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા ઝડપાયો 2 - image

દુબઈથી મંગાવેલું સોનું પકડાતા બળદેવ સુરતથી દુબઈ ભાગી ગયો હતો

સોના સાથે ઝડપાયેલા તેના બનેવીએ તેનું સાચું નામ નહીં લખાવી પાર્થ શર્મા લખાવ્યું હતું

સુરત, : સુરત એસઓજીએ એસ.કે.નગર ચોકડી પાસેથી જે સોનું પકડયું હતું તે બળદેવે જ મંગાવ્યું હતું અને તે સમયે બળદેવ સુરતમાં જ હતો.પણ સોનું પકડાતા તે પોતાના દુબઈના બે વર્ષના મેનેજીંગ વિઝાના આધારે સીધો દુબઈ ભાગી ગયો હતો.એસઓજીએ સોનાની પેસ્ટ સાથે ઝડપેલા ચાર પૈકી ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરીયા (ઉ.વ. 34 રહે. રવિ બિલ્ડીંગ, રાજહંસ સ્વપ્ન, સરથાણા અને મૂળ. ટોડા ગામ, તા. લાઠી, જી. અમરેલી) બળદેવનો સગો બનેવી હોય તેણે બળદેવનું સાચું નામ નહીં આપી ખોટું નામ પાર્થ શર્મા આપી તે નેટવર્કનો સૂત્રધાર હોવાનું કહ્યું હતું.જોકે, બાદમાં તપાસમાં બળદેવનું નામ જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News