દુષ્કર્મ નહી કરવાની શરતે જામીન, જેલમાંથી છૂટીને ફરી દુષ્કર્મ કરતા જામીન રદ કરી દેવાયા
દારૃના કેસમાં આગોતરા જામીન મેળવ્યા બાદ શરતોનું પાલન નહી કરતા શખ્સના પણ જામીન રદ કરી દેવાયા
વડોદરા, તા.6 સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી સગીરાને ફસાવી દુષ્કર્મનો ગુનો આચરતા આખરે વાઘોડિયા તાલુકાના વેડપુર ગામના યુવાનના જામીન કોર્ટે રદ કરી દીધા હતાં.
આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે કુવાવાળા ફળિયામાં રહેતા અલ્પેશ રમણભાઇ ચૌહાણે એક સગીરાને ફસાવી તેના પર દુષ્કર્મ ગુજારતા અલ્પેશ ચૌહાણ સામે ઓક્ટોબર-૨૦૨૪માં જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા સમય બાદ કોર્ટે તેને એવી શરત પર જામીન આપ્યા હતાં કે છૂટયા બાદ આ પ્રકારનું કૃત્ય ફરી નહી કરે. પરંતુ જેલમાંથી છૂટીને ફરીથી તેણે સગીરા પર દુષ્કર્મ કરતાં તે અંગે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. આમ જે કારણ આપી અલ્પેશ ચૌહાણે જામીન મેળવ્યા હતાં તે જ ગુનો ફરી આચરતા પોલીસ દ્વારા તેના જામીન રદ કરવા માટે સાવલીમાં એડિશનલ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જે.એ. ઠક્કરની કોર્ટમાં ફોજદારી પરચૂરણ અરજી કરવામાં આવતા કોર્ટે અલ્પેશ ચૌહાણના જામીનનો હુકમ રદ કરી દીધો હતો.
આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામમાં રહેતા શૈલેષ વિક્રમસિંહ ચૌહાણ સામે દારૃનો ગુનો દાખલ થયો હતો. તેણે પોતાની ધરપકડ ના થાય તે માટે સાવલીની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા કોર્ટે મંજૂર કરી દર મહિનાના છેલ્લા શુક્રવારે જરોદ પોલીસ સ્ટેશનમાં હાજર થવાની શરત મૂકી હતી પરંતુ તે જામીનની શરતોનો અમલ કરતો ન હતો જેથી પોલીસ દ્વારા તેના પણ જામીન રદ કરવા માટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે આખરે તેના આગોતરા જામીનનો હુકમ રદ કરી દીધો હતો.