7800 કરોડના સટ્ટાકાંડના ચાર આરોપીઓના જામીનની સુનાવણી પુરીઃ ચુકાદો મુલતવી
ચાર આરોપીએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા ઃ સરકારપક્ષે ગુનાની ગંભીરતા તથા વર્તણુંકને ધ્યાને લઈ જામીન રદ કરવા માંગ કરી
સુરત
ચાર આરોપીએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા ઃ સરકારપક્ષે ગુનાની ગંભીરતા તથા વર્તણુંકને ધ્યાને લઈ જામીન રદ કરવા માંગ કરી
એકાદ વર્ષ પહેલાં આચરવામાં આવેલા 7800 કરોડના ઓનલાઈન સટ્ટાકાંડમાં સુરત ક્રાઈમ બ્રાંચના ઈકો સેલે પાછળથી ઝડપેલા ચાર આરોપીઓએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગની સુનાવણી આજે પુરી થતાં એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપીઓ ના ચુકાદો મુલત્વી રાખ્યો છે.
સુરત ઈકો સેલ દ્વારા ગત ઓક્ટોબર માસમાં ડીંડોલી રાજમહલ મોલ શિવ એન્ટરપ્રાઈઝ નામે ટેક્સટાઈલ પેઢીની ઓફીસની આડમાં ચાલતા કરોડો રૃપિયાની ઓનલાઈન સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો.યુક્રેન તથા દુબઈથી ચાલતાં સંભવિત 7800 કરોડના સટ્ટાકાંડમાં હિમાચલ ફરાર થઈ ગયેલા આરોપી હુશેન કૌશર મકાસરવાળા(રે.ઝૈની કોમ્પ્લેક્ષ,લક્કડ કોટ સ્ટેશન રોડ)ની ગયા એપ્રિલ માસમાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.જેમાં પાટણના હાર્દિક મહેતા તથા દુબઈના કિશન નામના બુકી દ્વારા ઓનલાઈન બેટીંગ એપની મદદથી ગેરકાયદે નાણાંકીય ટ્રાન્જેકશન થયા હોવાનું તથા ડમી એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યુ ંહતુ.
આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓની ધરપકડ અને રિમાન્ડ બાદ શરતોને આધીન જામીન મળ્યા બાદ આ કેસમાં ગઈ તા.29મી ઓકટોબરના રોજ ઈકો સેલની ટીમે વધુ ચાર આરોપી બકુલ કીર્તિલાલ શાહ(રે.ક્રિષ એપાર્ટમેન્ટ,પાલ)હર્ષ કમલેશ શાહ(રે.અંકુર એપાર્ટમેન્ટ,મજુરાગેટ),પાર્થ શૈલેશ જોશી(રે.આદિપુર ગાંધીધામ કચ્છ) તથા આકાશ પારેખ (રે.ભાગ્યરત્ન હાઈટ્સ,પાલ)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગા કર્યા હતા.
હાલમાં જેલવાસ ભોગવતા ચારેય આરોપીઓએ આ કેસના સહઆરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં છે.અગાઉ શરતી જામીન મુક્ત આરોપીઓ તથા હાલના આરોપીઓની ગુનાઈત ભૂમિકા અલગ અલગ છે.અગાઉ જામીન મુક્ત આરોપીઓ 92 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ શરતી જામીન મુક્ત કરવામાં આવ્યા છે.હાલમાં આરોપીઓ ગુના નોંધાયા બાદ તપાસમાં સહકાર આપવાને બદલે નાસતા ફરતા રહ્યા છે.આરોપીઓની ગુનાઈત વર્તણુંકને પણ ધ્યાને લઈ કરોડો રૃપિયાના નાણાંકીય ટ્રાન્જેકશનના કેસમાં આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા સમાજમાં વિપરિત સંદેશ જવાની સંભાવના છે.જેથી કોર્ટે બંને પક્ષોની સુનાવણી બાદ સંભવિત ચુકાદો મુલત્વી રાખ્યો છે.