ભાજપના કાર્યકરની હત્યામાં દોઢ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપીના જામીન નામંજૂર
બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર સહિત ત્રણ આરોપીઓ પકડાયા હતા : સુુપ્રીમ કોર્ટ સુધી જામીન નથી મળ્યા
વડોદરા, ૧૯૯૦ના દાયકાના બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર સહિત ત્રણ આરોપીઓએ ફેબ્રિકેશનના વેપારી અને ભાજપના કાર્યકરની હત્યા કરી હતી. જે ગુનામાં બાબુલ પરીખના પુત્રે વચગાળાના જામીન મેળવવા માટે કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી જામીન મળ્યા નહતા
ઇજાગ્રસ્ત બંને ભાઇઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જ્યાં,સચીનની ચાર કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે પાર્થ બાબુલભાઇ પરીખ (રહે.ઇસ્કોન હેબીટેટ, અંકોડિયા, વડોદરા) અને તેના સાગરીતોને ઝડપી પાડયા હતા. પોલીસે પાર્થ, વાસિક તથા વિકાસની તા. ૨૮ - ૦૭ - ૨૦૨૩ ના રોજ ધરપકડ કરી હતી. પાર્થ પરીખે પત્નીની પાઇલ્સની બીમારીના કારણે ઓપરેશન કરાવવાનું કારણ રજૂ કરી ૧૫ દિવસના વચગાળાના જામીન માટે અદાલતમાં અરજી કરી હતી. મૂળ ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કરે રજૂઆત કરી હતી કે, આરોપીએ અગાઉ સુપ્રીમ કોર્ટ સુધી જામીન મેળવવા અરજી કરી હતી. પરંતુ, તેેને જામીન મળ્યા નહતા. જેથી, પત્નીની બીમારીનું કારણ જણાવી અરજી કરી છે. પાર્થના પત્નીની દેખરેખ માટે તેના માતા,પિતા અને બહેન સહિતના સંબંધીઓ છે. સરકાર તરફે વકીલ એચ.આર.જોશીએ રજૂઆત કરી હતી કે, પાર્થના પત્ની પોતે ફાઇનાન્સ કંપની ચલાવે છે અને મહિને એક લાખની આવક છે. ફરિયાદીએ રાજ્યના અલગ - અલગ વિભાગમાં અરજી આપી આરોપીઓથી પરિવારને જાનનું જોખમ હોવાનું જણાવે છે. જો આરોપીને જામીન પર મુક્ત કરાય તો ફરિયાદીના પરિવારને નુકસાન પહોંચાડશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બંને પક્ષની રજૂઆત ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે.