500ના દરની બોગસ ચલણી નોટ કૌભાંડમાં બે આરોપીના જામીન રદ
આરોપીઓ વિરુધ્ધ દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડવાના ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ
સુરત
આરોપીઓ વિરુધ્ધ દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડવાના ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ
રૃ.500ના દરની બોગસ ચલણી નોટ બજારમાં સર્ક્યુલેટ કરવાના કેસમાં પાંડેસરા પોલીસે જેલભેગા કરેલા બે આરોપીઓના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ડૉ. વી. સી. માહેશ્વરીએ આરોપીઓ વિરુધ્ધ દેશના અર્થતંત્રને નુકશાન કરે તેવા ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
પાંડેસરા પોલીસે તા.5-9-23ના રોજ આરોપી સુરેન્દ્ર દશરથ વિશ્વકર્મા (રે. જલારામનગર, પાંડેસરા)ના કબજામાંથી રૃ.500ના દરની કુલ રૃ.3500ની બોગસ ચલણી નોટ બાતમીના આધારે ઝડપી લીધી હતી. આરોપી સુરેન્દ્ર વિશ્વકર્માએ પોતે ટ્રેન મારફતે પંજાબ લુધિયાણાના આરોપી રાહુલ મોહીન્દર મલીક (રે.ઈસ્લામ ગંજ,લુધિયાણા પંજાબ) પાસેથી પોતાના આર્થિક લાભ માટે વેચાતી લાવ્યો હતો. જેથી પાંડેસરા પોલીસે બોગસ ચલણી નોટ બજારમાં સર્ક્યુલેટ કરીને દેશના અર્થતંત્રને ખોખલું કરવાના કારસામાં બંને આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. હાલમાં જેલવાસ ભોગવતા બંને આરોપીઓએ પ્રથમ દર્શનીય કેસના પુરાવાના અભાવે પ્રિ ટ્રાયલ પનીશમેન્ટની સંભાવનાને ધ્યાને લઈને જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુધ્ધ પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી બજારમાં બોગસ ચલણી નોટ સર્ક્યુલેટ કરવામાં સક્રીય ભૂમિકા ભજવી છે. આરોપીઓને જામીન આપવાથી આવા ગુનાને પ્રોત્સાહન મળે તેમ છે. જેને કોર્ટે માન્ય રાખી આરોપીઓને જામીન મુક્ત કરવાથી ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જામીનની માંગ નકારી કાઢી છે.