Get The App

વેપારીનું અપહરણ, 50 કરોડની ખંડણીના કેસમાં ભેજાબાજની જામીન અરજી નામંજૂર

Updated: Jan 26th, 2025


Google News
Google News
વેપારીનું અપહરણ, 50 કરોડની ખંડણીના કેસમાં ભેજાબાજની જામીન અરજી નામંજૂર 1 - image


- 11 શખ્સે અપહરણ કરી 50 કરોડની ખંડણી માંગી હતી

- મૃત્યુદંડ અથવા આજીવન કેદને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો હોવાની સરકારી વકીલની દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન ફગાવી દીધા

બોટાદ : બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે રહેતા ઓઈલ મીલના વેપારીનું અપહરણ કરી ૫૦ કરોડની ખંડણી માંગવાના ચકચારી કેસમાં મુખ્ય ભેજાબાજ શખ્સની બોટાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના ભદ્રાવડી ગામે રહેતા વિપુલભાઈ નંદલાલ શેખનું ગત તા.૨૮-૧૨-૨૦૨૪ના રોજ ભદ્રાવડીથી હડદડ રોડ પરથી કારમાં અપહરણ કરી વીછિંયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ લાકડી વડે આડેધડ માર મારી રૂા.૫૦ કરોડની ખંડણી માંગી જો ખંડણીની રકમ ન આપવામાં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. દરમિયાનમાં અપહરણકર્તાઓની કાર સમઢિયાળા ગામ નજીક બંધ પડતા વેપારી વિપુલભાઈ શેખ જીવ બચાવીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે અપહ્યત વેપારીના ભાઈ સંજયભાઈ શેખએ પાળિયાદ પોલીસ મથકમાં સંજય મનુભાઈ ઓળકિયા, સાગર ભીખાભાઈ ઝાપડિયા (રહે, કંધેવાળિયા, તા.વીછિંયા), કારમાં આવેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સહિતના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૪૦ (ર), ૧૩૭ (ર), ૬૧ (ર) (ક), ૧૧૫ (ર), ૩૫૧ (૩), ૫૪, જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી સંજય ઓળકિયાની પૂછતાછ કરતા ૧૧ શખ્સના નામ ખુલ્યા હતા. જેમાં અલ્પેશ બુધાભાઈ મકવાણા (રહે, ભદ્રાવડી) નામના શખ્સની પણ સંડોવણી હોય, તેને પોલીસે ઉઠાવી લઈ આગવીઢબે પૂછપરછ કરી હતી. આ શખ્સે ભદ્રાવડી ગામનો જ હોય, તેણે અગાઉ જુદા-જુદા શખ્સોને ફોન કરી વિપુલભાઈની રેકી કરી કોન્ફરન્સ કોલમાં તેઓની માહિતી આપી હતી. જે બાતમીના કારણે વેપારીનું અપહરણ થયાની હકીકત ખુલી હતી. તેમજ પોલીસ તપાસમાં બહારગામ રહેતા શખ્સોએ અગાઉ પાંચેક વખત વેપારીના અપહરણનો પ્રયાસ કર્યાનું અને છેલ્લે અલ્પેશ મકવાણાએ માહિતી આપતા અપહરણ થયાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાનમાં પોલીસ ગિરફ્તમાં આવેલા મુખ્ય ષડયંત્રખોર શખ્સ અલ્પેશ મકવાણાએ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અંગેની સુનવણી હાથ ધરાતા જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાએ આ કામનો આરોપી અલ્પેશ મકવાણાએ અપહરણ-૫૦ કરોડની ખંડણીના કાવતરામાં સામેલ થઈ વેપારીની તમામ માહિતી સહઆરોપીઓને પૂરી પાડી હતી. જો શખ્સ આ કૃત્યમાં સામેલ થયો ન હોત તો ખંડણી માંગવાના ઈરાદે વિપુલભાઈનું શખ્સો અપહરણ કરી શક્યા ન હોત તેમજ આ ગંભીર પ્રકારનો ગુનો મૃત્યુદંડ અથવા આજીવન કેદને પાત્ર હોય, જેથી જામીન અરજી નામંજૂર કરવા દલીલ-રજૂઆત કરતા વિદ્વાન ન્યાયમૂર્તિ હેમાંગ આર. રાવલે તમામ હકીકતોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

Tags :
Bail-application-of-Mejbaaz-rejectedRs-50-crore-extortion-case

Google News
Google News