૨૦ રૃપિયાની લાંચ લેનાર કોમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર
વાઘોડિયાના મઢૂલી ગામે એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડયો હતો
વડોદરા,વાઘોડિયા તાલુકામાં રેશનકાર્ડમાં ઇ- કે.વાય.સી. કરાવવા માટે લોકો પાસેથી પૈસા લેતા કોમ્પ્યુટર ઓપરેટરને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીની જામીન પર મુક્ત થવાની અરજી અદાલતે નામંજૂર કરી છે.
વાઘોડિયા તાલુકાના મઢૂલી ગામની પંચાયતનો કોમ્પ્યૂટર ઓપરેટર હિમાંશુ જગદીશભાઇ પટેલ (રહે.કડધરા તા.ડભોઇ)ને એક એન્ટ્રીના સરકાર પૈસા આપતી હોવા છતાં ગ્રામજનો પાસેથી રૃા.૨૦ પડાવે છે તેવી માહિતીના આધારે વડોદરા એસીબી દ્વારા ડીકોઇ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એક વ્યક્તિને તૈયાર કરી તેને પંચાયત ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. હિમાંશુ પટેલે ઇ- કે.વાય.સી. કરીને રૃા.૨૦ સ્વીકારતા જ એસીબીએ તેને ઝડપી પાડયો હતો. જેલમાં ગયેલા હિમાંશુ પટેલે જામીન પર મુક્ત થવા માટે સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ ડી.જે.નાળિયેરીવાળાની રજૂઆતો અને પોલીસનું સોગંદનામુ તથા પુરાવાઓ ધ્યાને લઇ એ.સી.બી.કોર્ટના સ્પેશ્યલ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે, આ પ્રકારના કૃત્યની સમાજના ઘણા મોટા વર્ગ પર અસર થાય છે. ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે બનાવેલી યોજનામાં આ પ્રકારનું કૃત્ય સમાજના સામાન્ય અને જરૃરિયાતમંદ વર્ગના સભ્યોની વિરૃદ્ધનું છે. અરજદાર સામે આક્ષેપિત ગુનો આર્થિક શ્રેણીમાં આવે છે. આવા ગુનાની સમાજ પર પડતી અસર ધ્યાને લેતા ગુનાની ન્યાયોચિત તપાસ થવી જરૃરી છે. આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આરોપીએ સામે કાયદા વિરૃદ્ધનું કામ કરવાનો આક્ષેપ છે.