રાજકોટમાં અગ્નિકાંડમાં 2 શખ્સોની જામીન અરજી રદ
આંધળા-બહેરા આરોપીને માનવતાના ધોરણે આવા ગુનામાં છોડી શકાય નહીં : માલિકો-ભાગીદાર અશોકસિંહ જાડેજા,કિરીટસિંહ જાડેજાએ જાણીબુઝી ફાયર સેફ્ટી નહીં રાખી,મંજુરી વગર નફાખોરી માટે ગેમઝોન ચલાવ્યું
રાજકોટ, : રાજકોટના નાનામવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલા 50 X 60 મીટરના તોતિંગ ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફ્ટી કે એન.ઓ.સી.લીધા વગર,બાંધકામ મંજુરી વગર અને આગ લાગે તો અનેકના મૃત્યુ થાય તેવી સો ટકા સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમઝોન ચાલુ કરનાર તેના માલિકો-ભાગીદારો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ રાજકોટ સેસન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીને આજે અદાલતે ફગાવી દીધી છે.
આરોપીઓ તરફે અશોકસિંહ આંધળા-બહેરા હોવાનું અને સ્લીપીંગ પાર્ટનર હોવાની દલીલો થઈ હતી જે સામે સરકાર પક્ષે તથા ફરિયાદ પક્ષે એવી દલીલ થઈ હતી કે આરોપીઓ 2021થી ગેરકાયદેસર ગેમઝોન ચલાવતા હતા. અગ્નિશામક સાધનો નથી, એન્ટ્રી-એક્ઝીટ અલગ નથી અને અંદર બાળકો વગેરે છે તથા વેલ્ડીંગ કામ કરવાથી તીખારો પડતા આગ ભભુકી ઉઠે અને માણસો મૃત્યુ પામે તે નફાખોરીના હેતુથી ગેમઝોન ચલાવતા હતા. આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટિસ આપ્યા છતાં તે દૂર કરાયેલ નહીં. તેમજ વર્ષ પહેલા આગ લાગ્યા છતાં ફાયર સેફ્ટીના સાધનો વસાવીને એન.ઓ.સી. લીધું ન્હોતું. આ સ્થળ પાસે આરોપીઓની ઓફિસ હતી અને ગેમઝોન પર તેમનો અંકુશ અને મોનીટરીંગ હતું. એક આરોપી આંધળા-બહેરા છે તેના પ્રતિ માનવતા સામે ૨૭ નિર્દોષ લોકાનામૃત્યુની ઘટનામાં માનવતાનું પલ્લુ કઈ તરફ નમે છે તે ધ્યાને લેવું જોઈએ.
બન્ને પક્ષોની રજૂઆતો અન્વયે એડી.સેસન્સ જજ એસ.ડી.સુથારે જામીન અરજી નામંજુર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં આરોપીઓ અશોકસિંહ અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા ઉપરાંત ધવલ ભરતભાઈ ઠક્કર અને રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદારો પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ તથા તપાસાં ખુલે તે અન્ય સામે જે તે દિવસે જ પી.એસ.આઈ.પ્રજ્ઞોશ ભીખાભાઈ ત્રાજ્યાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો.