Get The App

બજરંગદાસબાપાની 48 મી પૂણ્યતિથિની ચોમેર આસ્થાભેર ઉજવણીઃ બગદાણા ગુરૂઆશ્રમે ભાવિકોનો ઘોડાપૂર ઉમટયો

Updated: Jan 18th, 2025


Google News
Google News
બજરંગદાસબાપાની 48 મી પૂણ્યતિથિની ચોમેર આસ્થાભેર ઉજવણીઃ બગદાણા ગુરૂઆશ્રમે ભાવિકોનો ઘોડાપૂર ઉમટયો 1 - image


- બાપા રામ, સીતારામના નાદ અને જય જયકાર વચ્ચે દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ બગદાણા આશ્રમે  દર્શન કર્યા

- ધ્વજારોહણ, ગુરૂપૂજન સહિત પાલખીયાત્રામાં માનવ મહેરામણ ભકિતના રંગે રંગાયું, 3 હજાર સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી : જિલ્લામાં પણ ઠેર-ઠેર અનેકવિધ ધાર્મિક કાર્યક્મો સાથે પુણયતિથિ ઉજવાઈ 

ભાવનગર : દેશ વિદેશમાં લાખ્ખો સેવક સમુદાય ધરાવતા સંત શિરોમણી બજરંગદાસબાપાના બગદાણા સ્થિત ગુરૂઆશ્રમ સહિત સમગ્ર હહોગિલવાડ પંથકમાં ભારે આસ્થા અને ધર્મમય માહોલમાં ૪૮મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ બગદાણા ગુરૂઆશ્રમ હૈયે હૈયુ દળાય તેવી ભીડ વચ્ચે બાપારામ, સીતારામ, સીતારામ ભાઈ સીતારામના ગગનભેદી જયનાદ સાથે અંદાજે ૧.૫૦ લાખથી વધુ શ્રધ્ધાળુંઓે દર્શન, પૂજનનો લ્હાવો લીધો હતો.  

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે લાખ્ખો શ્રધ્ધાળુઓની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન મહુવા તાલુકાના બગદાણા ખાતેના ગુરૂઆશ્રમમાં શુક્રવારે પૂ.બાપાનો ૪૮ મો પુણ્યતિથિ મહોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો. આજે વહેલી સવારે મંગળા આરતીથી બજરંગદાસબાપાની ૪૮મી પુણ્યતિથિમહોત્સવની ઉજવણીનો શુભારંભ થયો હતો. બાદમાં શાસ્ત્રોકત વિધિવિધાનપુર્વક ધ્વજાપૂજન અને ધ્વજા આરોહણની વિધિ કરાઈ હતી. આ સાથે યોજાયેલા મહિમાપૂર્ણ ગુરૂપૂજનની વિધિમાં પણ સવારે ભાવિકોનો ઘોડાપૂર ઉમટી પડયો હતો. જેમાં ગુરૂપૂજન સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત વિશાળ મેદનીની સાથે બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીગણ તેમજ સેવક સમુદાય વિગેરે જોડાયા હતા.બાદમાં નિયત ક્રમ મુજબ સવારે પરંપરાગત રીતે યોજાયેલી પૂ.બાપાની નગરયાત્રા નિકળી હતી. અબીલ ગુલાલની છોળ વચ્ચે ગામમાં નિકળેલી યાત્રામાં ઢોલ નગારા,વાજીંત્રો, ડી.જે.સાઉન્ડના સંગાથે સેવક સમુદાય ઉમળકાભેર જોડાયો હતો. બગદાણા ગામના મુખ્ય માર્ગો પર ફરેલી આ રંગદર્શી નગરયાત્રામાં એક એકથી ચડીયાતા રંગબેરંગી મનોહર ફૂલોથી સજાવેલી વિશેષ ગાડીમાં પૂ.બાપાની વિશાળ છબી જયજયકાર વચ્ચે પધરાવાઈ હતી. આતશબાજીની જમાવટ બાપાના ભકિતગીતોની રમઝટ સાથેની આ નગરયાત્રા ગામમાં ધામધૂમથી વાજતે ગાજતે ફરી હતી. માર્ગમાં ઠેર ઠેર પીપરમેન્ટ, ચોકલેટ તથા ગુલાબની રંગીન છોળો ઉડતી રહી હતી. આ યાત્રામાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ જોડાયા હતા.બાદમાં આશ્રમે પ્રસાદ વિતરણ થયું હતું. જેમાં પણ વિશાળ મેદનીએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે ૩ હજારથી વધુ સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી હતી.

બગદાણા ઉપરાંત સમગ્ર ગોહિલવાડ પંછકમાં પણ પૂ. બાપાની ૪૮મી પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થઈ હતી. જેમાં ભાવનગર શહેરના ભગાતળાવ,શેરડીપીઠનો ડેલો, વડવા, ભાવનગર જિલ્લા પંચાયત સામે,નિર્મળનગરમાં શેરી નં.ઝીરો,આનંદનગર, તખ્તેશ્વરના પગથિયા પાસેના ગુરૂઆશ્રમમાં પણ સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. જયાં મહાપૂજન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર બાપાની કલાત્મક મઢુલીઓ બનાવાઈ હતી. જયા દિવસ દરમિયાન પ્રસાદનું વિતરણ કરાયુ હતુ.તો, જિલ્લામાં પણ તળાજા, મહુવા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, ઉમરાળા, ઘોઘા સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી મઢુલીઓ સજાવવામાં આવી હતી અને ધર્મમય માહોલ વચ્ચે પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. 

સેવક સમુદાયની પ્રેરણાદાયક સેવા

પૂ. બજરંગદાસાબાપાની ૪૮મી પુણ્યતિથિ પ્રસંગે બગદાણા ગુરૂઆશ્રમે મોટી સંખ્યામાં માનવ સમુદાય હાજર રહેવાનો હોય સેવક સમુદાય દ્વારા અહિં તમામ આગોતરી વ્યવસ્થા કરાઈ હતી. ત્રણેક હજાર ઉપરાંતના સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોએ પાર્કિંગ, દર્શન, ચા-૫ાણી, રસોડા વિભાગ, વીજળી, પાણી  વિભાગ, સુરક્ષા, લગેજ તેમજ પગરખા વગેરે વિભાગોમાં ખડેપગે સેવા પુરી પાડી હતી. ઉલ્લેખનિય છે કે, બગદાણામાં ગુરૂપૂનમ તેમજ તિથિ વેળાના પ્રસંગમાં રામ, રોટલી અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયેલા ચુનંદા સ્વયંસેવકોની સેવા અહિ દર વર્ષે ઉપલબ્ધ બને છે. બગદાણા આશ્રમના સેવકો આ અગાઉ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં બાદ હાલ પ્રયાગરાજમાં મહાકુંભમેળામાં ભાવિકો માટે અન્નક્ષેત્રની સેવા બજાવી રહ્યા છે. તે પણ અત્રે નોંધનિય છે. 

Tags :
Bagdana-Gurashramflooded-with-devotees

Google News
Google News