Get The App

બગદાણા બજરંગદાસ બાપાના અનન્ય સેવક 'મનજીદાદા'નું નિધન, ભાવિકોમાં શોકની લહેર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
બગદાણા બજરંગદાસ બાપાના અનન્ય સેવક 'મનજીદાદા'નું નિધન, ભાવિકોમાં શોકની લહેર 1 - image


Bapa Sitaram Sevak Manji Dada : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તિર્થધામ બગદાણાના બાપા સિતારામ ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક મનજીદાદાનું આજે(બુધવાર) સવારે નિધન થયું છે. મનજીદાદાના નિધનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભાવિકો બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.

મનજીદાદાના પાર્થિવ દેહને આવતીકાલ બપોર સુધી અંતિમ દર્શનાર્થે રખાશે

તેમના દીકરા જનક કાછડિયા દ્વારા જણાવાયું છે કે, મનજીદાદા આજ રોજ (તા.14-02-2024) પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે. પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણામાં આજે સાંજે 4:00 કલાકથી આવતીકાલ (15-02-2024) બપોરે 3:00 કલાક સુધી રાખેલ છે. ત્યારબાદ પૂજ્ય દાદાની અંતિમ યાત્રા બગદાણામાં આવતીકાલે બપોરે 3:00 કલાકે નીકળશે.

પૂજ્ય મનજીદાદા સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય સેવક હતા. બાપા સિતારામના પરલોક ગમન બાદ તેઓની સ્મૃતિમાં મનજીદાદાએ બગદાણામાં ગુરૂ આશ્રમની સ્થાપના કરી હતી. જે હાલ માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક પવિત્ર તિર્થધામ બની ગયું છે. બગદાણાના ગુરૂ આશ્રમ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના ભાવિકોને ભોજન સ્વરૂપે પ્રસાદ પીરસવામાં આવે છે. અહીંના સ્વયં સેવકોની વ્યવસ્થાની નોંધ સર્વત્ર લેવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, મનજીદાદાના નિધન થયાના સમાચાર સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાં વાયુવેગે ફેલાઇ ગયા હતા. મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં શિષ્યો, અનુયાયીઓ બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.


Google NewsGoogle News