Get The App

જામનગર પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી : રાજસ્થાનથી જાત્રા કરી પરત ફરેલા યાત્રીનું રિક્ષામાં ભુલાયેલું બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યું

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
જામનગર પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી : રાજસ્થાનથી જાત્રા કરી પરત ફરેલા યાત્રીનું રિક્ષામાં ભુલાયેલું બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યું 1 - image


Jamnagar Police : જામનગર શહેરમાં રહેતા સ્મિત કિશોરભાઈ મેહતાનું રિક્ષામાં મુસાફરી દરમિયાન ભુલાઈ ગયેલું રૂપિયા 27 હજારની રોકડ રકમ સાથેનું બેગ કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની પોલીસ ટુકડીએ ગણતરી ના કલાકોમાં શોધીને પરત અપાવ્યું હતું, અને પોલીસ તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

 જામનગરના સ્મિતભાઈ રાજસ્થાનના જૈન મંદિરોના તીર્થથી પરત ફરી જામનગર પહોંચ્યા હતા. જેઓ વિકાસગૃહ રોડ પરથી રીક્ષામાં બેસીને કલ્યાણજી ચોકે ઉતર્યા બાદ તેમને યાદ આવ્યું કે તેમનું બેગ રીક્ષામાં ભૂલી ગયા છે. આ બેગમાં રોકડ રૂપિયા 27,000 સહિત જાત્રામાં ગયેલાં 50 માણસોના હિસાબની બુક અને જરૂરી ડોક્યુમેન્ટ હતા.

 આ ઘટના બાદ સ્મિતભાઈએ તાત્કાલિક જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો.

 ત્યારબાદ પો.સબ.ઇન્સ પી.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ પી.એ.ખાણધર, લીલાબેન કેશાભાઇ મકવાણ, દિવ્યાબેન વાઢેર, સહિતના પોલીસ સ્ટાફે તુરંત જ તપાસની કામગીરી શરૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી સ્મિતભાઈ જે રીક્ષામાં બેસીને ગયા હતા તે રીક્ષા નંબર જી.જે-10-ટી.ડબલ્યુ-2760 શોધી કાઢી (આઈટીએમએસ) સોફ્ટવેરની મદદથી રીક્ષાના માલિકનો સંપર્ક કરીને તેમના પાસેથી સ્મિતભાઈનું બેગ મેળવી લીધું હતું.

 ગણતરીની કલાકોમાં પોલીસે સ્મિતભાઈને તેમનું ગુમાવેલું બેગ પરત કરી દીધું હતુ. આ ઘટનાએ નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે અને પોલીસની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.


Google NewsGoogle News