આયુર્વેદિક સીરપ ખરીદનારા સાવધાન! આવી દવા વેચનારાઓની માહિતી આપવા પોલીસે જનતાને કરી ખાસ અપીલ

આયુર્વેદિક સીરપના નામે આલ્કોહલની બોટલોનું માર્કેટમાં વેચાણથી સાવચેત રહેવું : ગુજરાત પોલીસ

આયુર્વેદિક સીરપ પીવાથી ખેડા જિલ્લાના 6 જેટલા યુવકોના શંકાસ્પદ મોત થયા હતા

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
આયુર્વેદિક સીરપ ખરીદનારા સાવધાન! આવી દવા વેચનારાઓની માહિતી આપવા પોલીસે જનતાને કરી ખાસ અપીલ 1 - image


Ayurvedic syrup Case : ગુજરાતમાં ઠેરઠેર પાન-મસાલાની દુકાનો, કરિયાણાની દુકાનો સહિત અનેક જગ્યાએ આયુર્વેદિક સીરપનું વેચાણ કરાઈ રહ્યું છે, તે પણ ગેરકાયદેસર રીતે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર. યુવાધન પણ આ પ્રકારની નશીલી સીરપનું સેવન કરી રહ્યા છે. હાલમાં જ ખેડામાં આવી સીરપ પીવાથી 5 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે હવે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સીરપની બોટલનો ફોટો મુકીને જાહેર જનતાને ચેતવવામાં આવી રહ્યા છે.

પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ

ગુજરાતમાં રાજકોટ પોલીસ, પોરબંદર પોલીસ, અરવલ્લી પોલીસ અને બનાસકાંઠા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ એક સંદેશ અપાયો છે. જેમાં જણાવ્યું છે કે, ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સેવન કરવાથી 6 જેટલા યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યાં છે. જેથી આપની આસપાસના વિસ્તારમાં પણ જો આ પ્રકારની આયુર્વેદિક સિરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે જાણ કરવી.

આયુર્વેદિક સીરપ પીવાથી યુવકોના મોત થયા હતા

ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આયુર્વેદિક કફ સીરપ પીધા બાદ યુવાનોને પરસેવો થવા અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. પછી તમામને દવાખાને લઈ જવાયા, જ્યાંથી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક બાદ એક એમ પાંચ યુવકોના મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને ત્રણ લોકોની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ યુવકોના મોત પર ખુલાસો કર્યો હતો.

પોલીસે કહ્યું- 3 લોકોના સીરપ પીવાથી મોત થયા, 2 લોકોએ આવી દવા પીધી ન હતી

DGP વિકાસ સહાયે આ અંગે જણાવ્યું હતું કે, ખેડા વિસ્તારમાં 5 લોકોના દુ:ખદ મોત થયા છે. રેન્જ પોલીસ અને SMC તપાસ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ આયુર્વેદિક દવા એક વ્યક્તિ વેચતો હતો. આ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. બીજા બે લોકો આવી કોઈ દવા લીધી નથી. હજુ તપાસ ચાલુ છે. પ્રાથમિક રીતે આયુર્વેદિક સીરપ મેન્યુફેક્ચરિંગમાં કોઈ સમસ્યા હોવાના કારણે થયું હશે. 50થી વધુ લોકોને દવા આપી હતી બધાની તપાસ કરી છે, બધાની તબિયત સારી છે. એક કેસમાં પોલીસે ફુડ એન્ડ ડ્રગ વિભાગની મંજુરી માંગી હતી. એમાં પત્ર અમને મળ્યો હતો કે 12% કરતા ઓછું આલ્કોહોલ હોઇ શકે છે. સીરપ મુદ્દે ઉંડાણથી પૂછપરછ થઈ રહી છે. એના પછી આખી વ્યવસ્થા શું છે એ ચકાસણી કરીશું. તપાસ પછી પગલાં લેશું.

આયુર્વેદિક સીરપ ખરીદનારા સાવધાન! આવી દવા વેચનારાઓની માહિતી આપવા પોલીસે જનતાને કરી ખાસ અપીલ 2 - image


Google NewsGoogle News