અયોધ્યામાં પહેલા જ વરસાદમાં રામપથ પર ગાબડાં, અમદાવાદની કંપનીને ફટકારી નોટિસ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
 Ayodhya Rampath Road


Potholes on Ayodhya Rampath Road: અયોધ્યામાં 844 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રામપથ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો.  ઉત્તર પ્રદેશની સરકારે રોડ બનાવનારી અમદાવાદની કંપની ભુગન ઈન્ફાકોન પ્રાઈવેટ લિમિટેડને નોટિસ ફટકારી છે.

ભુગન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ફરી વિવાદમાં

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ઓફિસ ધરાવતી ભુગન ઈન્ફ્રાકોન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પટેલ અને ડિરેક્ટર તરીકે તેમના ભાઈ નરેન્દ્ર પટેલ છે. આ કંપની પાલનપુરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના નિર્માણમાં ભ્રષ્ટાચાર મામલે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. કંપનીને આ કામ માટે 170 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીએ કોન્ટ્રાક્ટ હેઠળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવાનો હતો. જોકે, કંપનીએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો નથી અને ગંદુ પાણી નદીમાં છોડી દેવામાં આવે છે એવી ફરિયાદ પ્રાંત અધિકારીને પાલનપુર નગરપાલિકાએ કરી હતી.

ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી 

અયોધ્યામાં થોડા સમય પહેલા જ રામપથનું ઉદ્ઘાટન કરાયું હતું. પરંતુ પહેલો વરસાદ પડ્યો ત્યા તો રામપથ અનેક જગ્યાએથી તૂટી ગયો હતો અને મોટા ખાડા પડી ગયા હતા. રામમંદિરનું ઉદ્ઘાટન કરીને લોકસભાની ચૂંટણીમાં જશ ખાટવાની લાલસામાં ઉતાવળમાં 4 મહિના વહેલો રોડ બનાવી દેવાયેલો એવું કહેવાય છે. રામપથનું નિર્માણ 30મી એપ્રિલ 2024માં પૂર્ણ થવાનું હતું. પરંતુ 30મી ડીસેમ્બર 2023માં પૂર્ણ કરી દેવાયું હતું. ભગવાન રામની જન્મભૂમિમાં બનાવાયેલા રોડમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે જાહેર બાંધકામ વિભાગ અને જલ નિગમ (અર્બન)ના બે કાર્યપાલક ઈજનેર, બે સહાયક ઈજનેર અને બે જુનિયર ઈજનેરોને સસ્પેન્ડ કરી દીધા છે. 

આ પણ વાંચો: 5.5 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ ધરાશાયી, બિહાર બાદ ઝારખંડની ઘટના, પિલ્લર ધસી પડ્યા


રામપથનું કામ 24મી જાન્યુઆરી 2023ના રોજ શરૂ થયું હતું. પરંતુ પણ ભાજપે લોકસભાની ચૂંટણીમાં જશ ખાટવા માટે ઉતાવળ કરાવડાવી તેમાં નબળું બાંધકામ થયું હોવાના દાવા થઈ રહ્યા છે. 844 કરોડ રૂપિયા બજેટ ધરાવતા આ રામપથના કામને ત્રણ તબક્કામાં વહેંચી દેવાયું હતું. પ્રથમ તબક્કામાં 45 કિલોમીટરનો નવા ઉદ્ધાટન ઘાટથી અયોધ્યા ધામ પથ, બીજા તબક્કામાં અયોધ્યા ધામર્થી સર્કિટ હાઉસનો ત્રણ કિ.મી.નો રોડ છે.  છેલ્લા તબક્કામાં સર્કિટ હાઉસથી સહાદતગંજ બાયપાસ જશુ રોડનું ૫.૪ કિ.મી.નું કામ કરાયું હતું. આ ત્રણેય તબક્કાનું કામ 30મી એપ્રિલ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું હતું.

અયોધ્યામાં પહેલા જ વરસાદમાં રામપથ પર ગાબડાં, અમદાવાદની કંપનીને ફટકારી નોટિસ 2 - image


Google NewsGoogle News