ગુજરાતમાં વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 17 કરોડ, આ મહિલા સાંસદ સૌથી ધનિક
Lok Sabha Election Result 2024: લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે જ ગુજરાતના 'સ્પેશિયલ 26' ઉપર પણ જનતા જનાર્દને મહોર લગાવી દીધી છે. ગુજરાતના વિજેતા 26 ઉમેદવારો પાસે સરેરાશ સંપત્તિ રૂપિયા 17 કરોડની છે જ્યારે સરેરાશ વય 42ની છે. વિજેતા ઉમેદવારોમાંથી જામનગરનાં પૂનમ માડમ રૂપિયા 147.70 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે.
રૂ. 1કરોડથી ઓછી સંપત્તિ હોય તેવા માત્ર ત્રણ ઉમેદવાર
અસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ઉમેદવારોની એફિડેવિટને આધારે જારી કરેલી વિગતો અનુસાર રૂપિયા 1કરોડથી ઓછી સંપત્તિ હોય તેવા માત્ર 3 છે. જેમાં બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, અમરેલીના ભરત સુતરિયા અને સુરેન્દ્રનગરના ચંદુભાઈ શિહોરાનો સમાવેશ થાય છે.
ગાંધીનગરથી અમિત શાહ, જુનાગઢથી રાજેશ ચુડાસમા,બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા એવા વિજેતા ઉમેદવારો છે જેમના નામે કોઈને કોઈ ગુના નોંધાયેલા છે.
સૌથી વધુ સંપત્તિ હોય તેવા ઉમેદવારોમાં અમિત શાહ રૂપિયા 65.67 કરોડ સાથે બીજા અને નવસારીથી સી.આર. પાટીલ રૂપિયા 33.49 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. વડોદરાથી ડો. હેમાંગ જોશી 33 વર્ષની ઉંમર સાથે સૌથી યુવા અને ભરતસિંહ ડાભી, પુરષોત્તમ રૂપાલા, સી.આર. પાટીલ 69ની વય સાથે સૌથી વયસ્ક છે.