ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૫.૭૨ ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદારોના અકળ મૌન વચ્ચે શાંતિપૂર્ણ
માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન
માણસા નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ૬૩.૯૭ ટકા, તાલુકા પંચાયતની
લવાડ બેઠકમાં ૭૪.૮૦ ટકા તથા આમજામાં ૬૪.૪૦ ટકા મતદાન
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાન્યરીતે ૭૦ ટકાથી વધુ મતદાન થાય છે તેમાં પણ તાલુકા પંચાયત સહિતની સંસ્થાઓ માટે મુખ્યત્વે મતદાનનો ગ્રાફ ઉચોં જ જતો હોય છે પરંતુ આ વખતે ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ મતદાન ૬૫.૭૨ ટકા સુધી જ પહોંચી શક્યું છે. ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે કુલ ૨૮ બેઠક પર ૨૨૪ મતદાન મથકો ઉપર આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે મતદાનની ટકાવારી સારી હતી પરંતુ બપોરે તે ઘટી હતી અને સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ ત્યાં સુધી સરેરાશ ૬૫.૭૨ ટકા મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે ૩૬ ટકા મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. હવે મતદારોએ અકળ મૌન સૈથે કરેલા મતદાનનો પટારો આગામી મંગળવારેખુલશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની
ચૂંટણી અંતર્ગત ગાંધીનગર તાલુકા પંચાયત,
માણસા નગરપાલિકાની ૨૮-૨૮ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. આ
ઉપરાંત જિલ્લા પંચાયતની હાલીસા,
તાલુકા પંચાયતની લવાડ-આમજા તથા કલોલના વોર્ડ નં. ચારની પેટા ચૂંટણી પણ યોજાઇ
રહી છે. જે અંતર્ગત આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તમામ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકો પર આજે શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સવારે સાત
વાગ્યાથી શરૃ થઇ ગયું હતું. એટલું જ નહીં
સવારથી જ મતદારોમાં ઉત્સાહને કારણે મતદાન મથકો બહાર મતદાતાઓની લાંબી લાઇનો
લાગવા લાગી હતી. જિલ્લામાં પુરુષો અને મહિલાઓની સાથે આ વખતે યુવાનોમાં મતદાન
કરવાનો અનોખો ક્રેઝ જોવા મળતો હતો.તો વૃધ્ધો અને અશકતો પણ મતદાન કરવા મતદાન મથકો
સુધી આવ્યા હતા.જો કે, સવારે
મતદારોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તે બપોર સુધી રહ્યો ન હતો. બપોરે મતદાન મથકો
ખાલી જોવા મળ્યા હતા. લગ્ન પ્રસંગ,
રવિવારની રજા તથા ગરમીની અસર મતદાન ઉપર પડી છે. આ ઉપરાંત ઉમેદવારો-પક્ષો
મતદારોને બહાર કાઢવામાં કોઇક અંશે સફળ રહ્યા હતા તો ચૂંટણી તંત્ર દ્વારા મતદાન
જાગૃતિ માટે કોઇ કામગીરી કરી ન હતી તેના કારણે પણ મતદાનનો ગ્રાફ નીચે રહ્યો
હોવાનું સીધું દેખાઇ રહ્યું છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે સરેરાશ કુલ ૬૫.૭૨
ટકા મતદાન થયું છે. તો માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પણ ૬૩.૯૭ ટકા મતદાન
થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટા ચૂંટણીની વાત કરીએ તો, જિલ્લા પંચાયતની
હાલિસા બેઠક માટે ૬૦.૭૦ ટકા,
તાલુકા પંચાયતની લવાડ બેઠક માટે ૭૪.૮૦ ટકા તથા આમજા સીટ માટે ૬૪.૪૦ ટકા તથા
કલોલના વોર્ડ નં. ચાર માટે ફક્ત ૩૬.૯૩ ટકા વોટીંગ થયું હતું. જિલ્લામાં નાની મોટી
ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપુર્ણરીતે સંપન્ન થતા ચૂંટણી તંત્રએ હાશકારો અનુભવ્યો
હતો.તો બીજીબાજુ ઇવીએમ દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સ્ટ્રોંગરૃમમાં મુકી
દેવામાં આવ્યા છે જે ૧૮મીએ મતગણતરી વખતે ખોલવામાં આવશે.
કલોલ નગરપાલિકાના વોર્ડ નં.૪ માટે ફક્ત ૩૬.૯૩ ટકા મતદાન
કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં કાઉન્સિલરે રાજીનામું
આપતા સીટ ખાલી પડી હતી જેના ઉપર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ
અને આપના ઉમેદવારે ફોર્મ ભરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો ત્રણેય ઉમેદવારોએ
ચૂંટણી જીતવા માટે પ્રચાર અભિયાન ચલાવ્યું હતું અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં
આવ્યો હતો ત્યારે આજરોજ વોર્ડ નંબર ચારના નવ બુથ ઉપર ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ
થયો હતો મતદારોએ ઉત્સાહક આપ્યો હતો અને એ મતદાન કર્યું હતું. મોડી સાંજે ૬ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં
૩૬.૯૩ ટકા ઉપરાંત મતદાન નોંધાયું હતું. અને મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ
ઉમેદવારોએ પોતાનો જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.
હાલિસા જિ.પંચાયતની સીટમાં ૧૬,૯૨૩ મતદારોનું
વોટિંગ
ગાંધીનગર જિલ્લામાં પેટા ચૂંટણીની વાત કરીએ તો, જિલ્લા પંચાયતની હાલિસા બેઠક માટે પણ ચૂંટણી યોજાઇ રહી હતી. જે માટે આજે મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે તેવી સ્થિતિમાં સવારથી અહીં પણ મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ બપોર બાદ તેમાં ઘટાડો થયો હતો અને મતદાનના દિવસને અંતે ફક્ત ૬૦.૭૦ ટકા મતદાન જ હાલિસા બેઠકના ૩૪ મતદાન મથકો ઉપર નોંધાયું હતું. અહીં ૧૪,૦૩૫ પુરુષ મતદારો તથા ૧૩, ૮૪૨ મહિલા મતદારો મળીને કુલ ૨૭,૮૭૭ મતદારો નોંધાયેલા છે. જે પૈકી ૯,૧૩૯ પુરુષ મતદારો તથા ૭,૭૮૪ મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આમ આ બેઠકમાં કુલ ૧૬,૯૨૩ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ૧૦,૯૫૫ મતદારો મતદાનથી અળગા રહ્યા હતા.