ગુજરાત સરકારની ઊંઘ ઊડી! આ જિલ્લામાં દર મહિને 45 નવજાત બાળકો, 3 માતાના મૃત્યુથી ખળભળાટ
- જૂન સુધીના છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લામાં 10 માતા, 134 બાળકોના મોત નિપજ્યા
- માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટેના પૂરતા પ્રયાસોમાં આરોગ્ય વિભાગ નિષ્ફળ
Gujarat Ananad News | આણંદ જિલ્લામાં દર મહિને સરેરાશ 45 બાળકો 3 માતાઓના મોત નિપજી રહ્યા છે. જિલ્લામાં એપ્રિલ-2024થી જૂન-2024 દરમિયાન સગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ પછી 42 દિવસ સુધીમાં 10 માતાઓનું તેમજ જન્મથી લઈને એક વર્ષ સુધીમાં 134 બાળકોનું મોત નિપજ્યું છે. આરોગ્ય માટે જિલ્લામાં લાખો રૂપિયા ફાળવવા છતાં મોટા પ્રમાણમાં બાળ મૃત્યુ થતાં હોવાથી આરોગ્યની સુવિધા સામે સવાલો ઉઠયા છે.
જિલ્લામાં દરરોજ સરેરાશ 1થી 2 બાળકોના મોત નિપજતા હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર અટકાવવા માટે પગલાં લેવામાં આવતા હોવાની વાતો પોકળ સાબીત થઈ હોવાના આક્ષેપો ઉઠયા છે.
ત્યારે સ્થિતિની ગંભીરતાને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને ગુરુવારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારની અધ્યક્ષતામાં મેડિકલ ઓફિસરો, ગાયનેકોલોજિસ્ટ,સામુહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષક સહિતના સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં માતા અને બાળ મરણ અટકાવવા માટે લેવાના પગલાં અંગે સુચનાઓ અપાઈ હતી.
તેમજ સગર્ભાની સમયસર નોંધણી થાય, તેણીની નિયમિત તબીબી તપાસ કરવા, આંગણવાડી કેન્દ્રોમાંથી પોષણયુક્ત આહાર આપવા, યોગ્ય સમયે રસીકરણ થાય, ફોલિક એસિડ, આર્યન, કેલ્શિયમની દવાઓ નિયમિત આપવામાં આવે, સંસ્થાકિય સુવાવડ કરાવવામાં આવે અને પ્રસુતિ બાદના 42 દિવસ સુધી પ્રસુતાનું નિયમિત ફોલોઅપ લેવા તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરોને સુચના આપી હતી.
- નાની ઉંમરે ગર્ભધારણ અને કુપોષણ મોત પાછળ જવાબદાર
આણંદ જિલ્લામાં એપ્રિલથી જૂન 2024 દરમિયાન 134 બાળ મરણ અને 10 માતાઓના મરણ થયા છે. માતાઓના મૃત્યુ પાછળ 19-20 વર્ષની નાની ઉંમરે ગર્ભધારણ કરવું, 40 કિલોથી ઓછુ વજન હોવું, લોહીનું ઓછું પ્રમાણ, કુપોષણ સહિતના કારણો જવાબદાર હોય છે. માતા કુપોષિત હોવાથી જન્મેલું બાળક પણ કુપોષિત હોય છે, જેને કારણે બાળમૃત્યુ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા યુવતીઓ અને તેના પતિને 21 વર્ષ બાદ ગર્ભધારણ કરવા અંગે સમજ આપવામાં આવે છે.
- ડો. દિપક પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ