તહેવારો, સમાજિક કાર્યક્રમોને અનુલક્ષી તંત્ર સતર્ક : એક માસ માટે હથિયારબંધી
- આગામી 12 માર્ચ સુધી જાહેરમાં હથિયાર લઈ નિકળાવ પર પ્રતિબંધ
- જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા તથા ગીતો ગાવા પર પણ પ્રતિબંધઃ જાહેરનામાના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ
અધિક જિલ્લા કલેકટરે બહાર પાડેલાં જાહેરનામામાં જણાવાયું છે કે, ફેબૂ્રઆરી તથા માર્ચ માસ દરમિયાન વિશ્વકર્મા જયંતી, છત્રપતિ શિવાજી જયંતી, મહાશિવરાત્રી તથા દુર્ગાષ્ટમી સહિતના ધાર્મિક તહેવારો તથા વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેને અનુલક્ષી આવતીકાલ તા.૧૧થી આગામી તા.૧૨ માર્ચ ( બન્ને દિવસ) કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તે હેતુથી ભાવનગર જિલ્લામાં જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને નિકળવા પર પ્રતિંબધ ફરમાવ્યો છે. આ ઉપરાંત, કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરિક નુકશાન કરે તેવા પદાર્થો, સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા પર પ્રતિંબધ ફરમાવાયો છે. ઉપરાંત, સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા પર તથા મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે જ અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા તથા ગીતો ગાવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને દંડની પણ સજા થશે.