પાલિતાણામાં ઓપરેટરને બેફામ ગાળો ભાંડતા ભાજપના ધારાસભ્યનો ઓડિયો વાયરલ થતાં હડકંપ
BJP MLA Audio Goes Viral In Palitana: પાલિતાણાના ભાજપના ધારાસભ્યએ ફાઈલની ઓનલાઈન એન્ટ્રી કરવામાં થતાં વિલંબને લઈ તાલુકા પંચાયતની બાંધકામ શાખાના ઓપરેટરને ફોન ઉપર બેફામ ગાળો ભાંડી ધમકાવ્યાના ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે.
જાણો શું છે સમગ્ર મામલો
પાલિતાણામાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેવામાં પાલિતાણા વિધાનસભાના ભાજપના ધારાસભ્યા ભીખા બારૈયાનો બે મિનિટ અને 43 સેકન્ડનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એક કોમ્પ્યુટર ઓપરેટ દ્વારા કોઈ કામની ફાઈલની ‘પ્રેસા'માં ઓનલાઈન એન્ટ્રી કરવામાં વિલંબ કરાઈ રહ્યો હતો. જેને લઈ ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો હતો અને કોન્ટ્રાક્ટ બેઈઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા દશરથ નામના કર્મચારીને કોન્ફરન્સ કોલમાં બિભસ્ત ગાળો આપીને છૂટા કરાવી દેવાની ધમકી આપી હતી. આ વાયરલ થયેલો ઓડિયો આઠમી જાન્યુઆરીનો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી...1000 પોલીસકર્મીઓ ખડેપગે
આ મામલે ધારાસભ્ય ભીખા બારૈયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, 'પ્રેસામાં એન્ટ્રી માટે દરેક ગામની ફાઈલો જાય છે. ત્યારે કોઈના ઈશારે અને કટકી માટે અમુક ફાઈલોને મહિનાઓ સુધી દબાવી રાખવામાં આવે છે.' તેમણે માનીતાઓનું પહેલા કામ થતું હોવાનું આક્ષેપ કર્યા હતા. વધુમાં સરપંચોના કહેવા છતાં ફાઈલો પડી રહેતી હોવાનો પણ તેમણે આરોપ મુક્યો હતો.જો કે, વાયરલ ઓડિયોમાં ધારાસભ્યની ધમકી અને હલકી કક્ષાના વાણીવિલાસે પાલિતાણાનું રાજકારણ ગરમાવ્યું છે. તો બીજી તરફ ભાજપમાં અંદરો-અંદરની ટાંટિયા ખેંચને પણ ઉજાગર કરી છે.