'બારેમેઘ ખાંગા છે, હવે ખેડૂતની પાસે સુસાઈડ કરવા સિવાય કોઈ રસ્તો નથી...', કૃષિમંત્રી સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ
Raghavji Patel Viral Audio : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાક પર પાણી ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી છે, ત્યારે ગોંડલના એક ખેડૂત કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે.
સુસાઇડ કર્યા વગર ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી
ગોંડલના ખેડૂત ઓમદેવસિંહે કૃષિમંત્રીને ફોન કરીને પાક નુકસાની અંગે જાણકારી આપી અને કૃષિમંત્રીને ખેડૂતોને હાલત શું છે તેને લઈને સ્થળ મુલાકાત લેવા જણાવ્યું. જેમાં ખેડૂતે કહ્યું કે, 'તમે આવો તો ખરા. અત્યારે બારેમેઘ ખાંગા છે. તમે સૌરાષ્ટ્રના છો, તમને બધી ખબર હોય ને.. આ ખેડૂત મરી ગયો છે અને મરી જવાનો છે. સુસાઇડ કર્યા વગર ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી.' જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, 'સારું, આપણે સહાય-મદદનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, શેરડી સહિતના બાગાયતી પાકને 150 કરોડનો ફટકો
આ પછી ખેડૂતે કહ્યું કે, 'મદદ નહીં સાહેબ, તમે બધાને કહો કે પરિસ્થિતિ શું છે, સતત વરસાદ ચાલુ છે. તમે સ્થળ પર આવો, હું તમને પરિસ્થિતિ બતાવું.' જેના જવાબમાં કૃષિમંત્રીએ કહ્યું કે, 'હા, આવીશ... આવીશ...'
યોગ્ય વળતર ચૂકવવાની માગ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળીના મોટા વેપારીએ કહ્યું કે, પાછોતરા વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોને આશરે 50 ટકા મગફળીના પાકને નુકાસન થયું છે. જ્યારે 25 ટકા માલ તો સાવ ખરાબ થઈ ગયો છે. જો કે, ગત વર્ષ કરતા આ વર્ષે આ વખતે ઉત્પાદન વધ્યું છે, પરંતુ પાક નુકસાન થવાથી તેની ક્વોલિટી પર મોટી અસર વર્તાશે. અંતે ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માગ કરી છે.