વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, ગોધરા સહિતના મુખ્ય સ્ટેશનો પર ATVM મશીનો કાર્યરત થયા
image : Social media
Vadodara Railway Station : પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, વિવિધ સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓ દ્વારા મુસાફરો હવે ઝડપી, સરળ અને કેશલેસનો લાભ ઉઠાવી શકશે.
ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો (ATVM) વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, આણંદ, નડિયાદ અને ગોધરા જેવા તમામ મુખ્ય સ્ટેશનો પર સ્થાપિત કરાયા છે. મુસાફરો આ મશીનો દ્વારા જાતે જ અનારક્ષિત ટિકિટ બુક કરી શકે છે, જેનાથી ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત નથી રહેતી અને સમયની બચત થાય છે. યુટીએસ મોબાઇલ ટિકિટિંગ એપની સુવિધા પણ સમગ્ર મંડળ માં ઉપલબ્ધ છે. આ એપ દ્વારા, મુસાફરો સ્ટેશન પરિસરની બહાર ગમે ત્યાંથી તેમના મોબાઇલ ફોન દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરી શકે છે. આ એક અનુકૂળ, પેપરલેસ અને ઝડપી ટિકિટ બુકિંગ વિકલ્પ છે. સાથે જ, બધા આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડાયનેમિક ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ સિસ્ટમની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જેથી મુસાફરો UPI-સક્ષમ એપ્સ દ્વારા તાત્કાલિક અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ કરી શકે છે, અને રોકડ વ્યવહારો અથવા છુટ્ટા પૈસા લઈ જવાની સમસ્યા દૂર થાય છે.