Get The App

ખુલ્લી છરીઓ સાથે નીકળી ફ્રૂટના બે વેપારીઓની હત્યાનો પ્રયાસ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ખુલ્લી છરીઓ સાથે નીકળી  ફ્રૂટના બે વેપારીઓની હત્યાનો પ્રયાસ 1 - image


રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડાડતી વધુ એક ઘટના

ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ-૨ પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધાઆરોપીઓએ સ્થળ પર માફી માગી

રાજકોટ :  શહેરમાં લુખ્ખાઓ, માથાભારે તત્વો અને ગુંડાઓમાં પોલીસનો ભય ઓસરી ગયો છે. જેને કારણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની ધજ્જીયા ઉડાડતી ઘટનાઓ  હવે સામાન્ય બની ગઇ છે. ગઇકાલે બપોરે આલાપ ગ્રીન સિટી નજીક ખુલ્લી છરીઓ સાથે ધસી ગયેલા ત્રણ આરોપીઓએ ફ્રૂટના બે વેપારીઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ-૨ પોલીસે મળી એક સગીર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લઇ આજે બનાવ સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન પંચનામુ કર્યું હતું. તે વખતે બંને આરોપીઓએ સરાજાહેર માફી માગી હતી.

આલાપ ગ્રીન સિટી આગળ આરએમસી ક્વાર્ટરમાં રહેતો અંકિત ભીખુભાઈ સોલંકી (ઉ.વ.૨૦) ફ્રૂટનો વેપાર કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે તેના કાકી નીતાબેનનો પુત્ર ગઇકાલે દુકાને ભાગ લેવા જતો હતો ત્યારે તેના પગની બાજુમાંથી રીક્ષા નીકળતા  સામાન્ય ઇજા થઇ હતી. જેથી તેના કાકી રીક્ષાચાલકને કહેવા જતાં ઝઘડો થયો હતો. તેણે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું.

ત્યાર પછી તે ઘરે જમીને આલાપ ગ્રીન સિટી ચોકમાં પોતાની ફ્રૂટની લારીએ પહોંચ્યો હતો. સાથે કામ કરતો અજય ગોવિંદભાઇ સમેચાર (રહે. ઇન્ડીયન પાર્ક) સાથે મળી ફ્રૂટ ભરતો હતો ત્યારે એક સીએનજી રીક્ષામાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. જેમાંથી બે શખ્સો હાથમાં ખુલ્લી છરીઓ સાથે તેની તરફ ધસી આવી, બેફામ ગાળો ભાંડી કહ્યું કે તને આજે જીવતો નથી રહેવા દેવો. આ પછી તેની પાછળ છરીઓ લઇ દોડતા તેણે દોટ મૂકી હતી.

તે સાથે જ ત્રણેય શખ્સોએ રીક્ષામાં તેનો પીછો કર્યો હતો. પારિજાત સોસાયટીની શેરીમાં પહોંચતા જ બે શખ્સોએ તેને આંતરી લઇ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. એક ઘા ડાબા પડખામાં, બીજો ઘા બગલની નીચે, ત્રીજો ઘા વાંસામાં, ચોથો ઘા માથામાં, પાંચમો ઘા જમણા હાથ પર, બાકીના ઘા બંને પગના સાથળમાં ઝીંકી દીધા હતા. તેને બચાવવા અજય વચ્ચે પડતાં તેને પણ છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

દોડતા-દોડતા તેણે પોતાના શેઠ સલમાન બુખારીને કોલ કરી દીધો હતો. જેથી તે અને રાહદારીઓ ભેગા થઇ જતાં ત્રણેય શખ્સો રીક્ષામાં બેસી જતા રહ્યા હતાં. પાછળથી તેને ત્રણેય શખ્સોના નામ મળ્યા હતાં. જેમાંથી એક સગીર હતો. બાકીના બેના નામ અમીન કાદર કટારીયા અને નવાઝ ફઝલભાઈ શેખ (રહે. બંને શિવપરા, રૈયા રોડ) હતા.

ગાંધીગ્રામ-૨ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તત્કાળ આરોપીઓને પકડવાની સૂચનાને પગલે ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ-૨ પોલીસની ટીમોએ દોડધામ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં. 


Google NewsGoogle News