Get The App

પૂર્વ પત્નીના પુત્ર દ્વારા ઓરમાન પિતાની પત્નીની હત્યાનો પ્રયાસ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
પૂર્વ પત્નીના પુત્ર દ્વારા ઓરમાન પિતાની પત્નીની હત્યાનો પ્રયાસ 1 - image


- રાજકોટના કોઠારીયા ચોકડી પાસેના રામનગરની ઘટના

- લાદી તોડી નાખવા અને પાણી ઢોળવા બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈ પાડોશમાં રહેતી યુવકની પૂર્વ પત્ની અને તેના પુત્રનું કૃત્ય

રાજકોટ : રાજકોટની કોઠારીયા ચોકડી પાસે રામનગર-ર, શેરી નં.૩માં આજે પૂર્વ પત્નીના પુત્ર દ્વારા ઓરમાન પિતાની પત્નીની હત્યાનો હિચકારો પ્રયાસ કરાયો હતો. આજી ડેમ પોલીસે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી માતા-પુત્રને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે. 

આ અંગે નીતાબેન જેરામભાઈ ઠુમ્મર (ઉ.વ.૬પ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં તે પુત્ર દિવ્યેશ, પુત્રવધૂ વૃંદા અને પૌત્ર સાથે રહે છે. તેના પુત્ર દિવ્યેશે અગાઉ અલ્પાબેન હરેશભાઈ જોષી સાથે લવમેરેજ કર્યા હતા. અલ્પાબેનને અગાઉના લગ્નથી પુત્ર વીનીત ઉર્ફે વિવેક છે. અલ્પાબેન તેને સાથે લઈ તેના પુત્ર દિવ્યેશ સાથે રહેવા આવી હતી. સાતેક વર્ષ સુધી બંનેનો ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ અવાર-નવાર ઝઘડા થતા હોવાથી રાજીખુશીથી કોર્ટમાંથી છૂટાછેડા લઈ લીધા હતા. 

તે વખતે તેના મકાનની બાજુમાં આવેલા બે મકાનો અલ્પાબેનને કાયમી ખાધા-ખોરાકી સ્વરૂપે આપવાનું નકકી થયું હતું. જેથી એક મકાનમાં અલ્પાબેન પુત્ર સાથે રહે છે અને બીજુ મકાન ભાડે આપી દીધું છે.  આજે સવારે તે ઘરની બહાર નીકળ્યા અને જોયું તો અલ્પાબેનના ભાડુઆતના પુત્રએ તેમણે પટમાં રાખેલી લાદીમાંથી બે-ત્રણ લાદી તોડી નાખી હતી. 

જેથી આ અંગે પુત્રવધૂ વૃંદાને જાણ કરતાં તેણે કહ્યું કે આપણે કંઈ બોલવું નથી, ભલે તોડી નાંખી હોય. થોડીવાર બાદ અલ્પાબેને તેના ઘર પાસે પાણી ઢોળ્યું હતું. જેથી તેણે અને પુત્રવધૂ વૃંદાએ ઠપકો આપતા અલ્પાબેન અને તેનો પુત્ર વીનીત ઉર્ફે વિવેક એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમફાવે તેમ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતાં ગડદાપાટુનો માર માર્યો હતો.

બરાબર તે જ વખતે વીનીત ઉર્ફે વિવેક ઘરમાંથી છરી લઈ ઘસી આવ્યો હતો. તે સાથે જ અલ્પાબેને તેની વહુ વૃંદાબેનને પકડી રાખ્યા બાદ વીનીત ઉર્ફે વિવેકે તેની ડાબી અને જમણી બાજુ છાતીના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા. એટલું જ નહીં અલ્પાબેને  વૃંદાને જમણા હાથના કાંડા ઉપર બચકું ભરી લીધું હતું અને  ઉશ્કેરાઈ જઈ પુત્રને કહ્યું કે આજે આ બને સાસુ-વહુને મારી જ નાખવાના છે. જેને કારણે વીનીત ઉર્ફે વિવેક તેની પુત્રવધૂ વૃંદાને વધુ છરીના ઘા મારવા જતો હતો ત્યારે તે વચ્ચે પડતા ડાબા હાથની પ્રથમ આંગળીમાં છરી વાગી હતી. તે વખતે પુત્ર દિવ્યેશ અને પાડોશી પ્રતિકભાઈ ટાંક અને સોનલબેન વગેરેએ આવી તેમને છોડાવ્યા હતા. જયારે અલ્પાબેન અને તેનો પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા. 

ત્યાર પછી તેની પુત્રવધૂ વૃંદાને પેટની ડાબી બાજુ હોજરીમાં અને આંતરડાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જયારે તેણે પ્રાથમિક સારવાર લીધી હતી. આ ફરિયાદના આધારે આજી ડેમ પોલીસે આરોપી અલ્પાબેન અને તેના પુત્ર સામે ખુનની કોશિષનો ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા હતા. 



Google NewsGoogle News