Get The App

PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, જાણો સરદાર ધામ અને ખોડલ ધામે શું કહ્યું?

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, જાણો સરદાર ધામ અને ખોડલ ધામે શું કહ્યું? 1 - image

Attack on Jayantibhai Karshanbhai Sardhara : પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. જોકે મામલો ગરમાતાં હાલમાં પીઆઇ સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો છે. જોકે હજુ સુધી તેમની ધરપકડ કરવાની બાકી છે. 

PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

આ સમગ્ર મામલે હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. પીઆઇ સંદિપ પાદરીયાએ જયંતિભાઇ સરધારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પીઆઇ સંદિપ પાદરીયા તેમના પર હુમલો કરતાં દેખાય છે. જોકે પોલીસે હજુ સુધી પીઆઇ પાદરીયાની ધરપકડ કરી નથી. 

આ પણ વાંચો: ખોડલ ધામ Vs સરદાર ધામ વિવાદ: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, 'નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ'

જયંતિભાઇ નરેશ પટેલ વિરૂદ્ધ લગાવ્યા આક્ષેપ

હુમલાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઇ સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નરેશ પટેલના ઇશારે પીઆઇ પાદરીયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડલ ધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી. આ મામલે સામસામે એકબીજા પર આક્ષેપો થઇ રહ્યા છે. 

આ ઘટનામાં નરેશ પટેલની સંડોવણી ન હોઇ શકે: ખોડલ ધામ પ્રવક્તા

ખોડલ ધામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચેરમેન નરેશ પટેલ હાલમાં વિદેશ પ્રવાસ છે તેમને ઘટનાની જાણ થતાં દુ:ખ વ્યક્ત કર્યું છે. નરેશ પટેલ વિદેશથી પરત ફરશે ત્યારે જયંતિભાઇને મળશે. સરદારધામ અને ખોડલ ધામ વચ્ચે કોઇ વિવાદ નથી. બંને સેવાકીય સંસ્થાઓ છે. આ ઘટનામાં નરેશ પટેલની સંડોવણી ન હોઇ શકે. આ ઘટનામાં તેમનું નામ જોડવું યોગ્ય બાબત નથી. 

સરદાર ધામ અને ખોડલ ધામ એક સિક્કાની બે બાજુ છે

સરદાર ધામના સેક્રેટરી ટી.જી.ઝાલાવડિયાએ હુમલા બાબકે કડક કાર્યવાહીની માંગ કરી છે. સરદાર ધામ અને ખોડલ ધામ એક સિક્કાની બે બાજુ છે. સરદાર ધામ અને ખોડલ ધામને કોઇ મન દુ:ખ કે વિવાદ નથી. બંને સંસ્થાઓ શૈક્ષણિક કાર્ય કરે છે. હુમલાનો બનાવ દુ:ખદ છે. હુમલો કેમ થયો તે સમગ્ર મામલે તપાસ થવી જોઇએ. જે બન્યું છે તે અંગત બાબત છે. આ વિવાદ વ્યક્તિગત છે. 

Google NewsGoogle News