આંકલાવના ગામમાં કિશોરીના પિતા પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
- સગીરના પરિવારના 4 શખ્સોની અટકાયત
- સબંધ રાખવાનું કહી હેરાન કરતા સગીરના ઘરે ઠપકો આપવા ગયેલા દંપતી સાથે ઝઘડો કરી હુમલો
આણંદ : આંકલાવ તાલુકાના એક ગામમાં ગઈકાલ રાતે કિશોરીને હેરાન કરનારાના ઘરે ઠપકો આપવા ગયેલા દંપતી સાથે પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. જેમાં સગીરે કિશોરીના પિતાને છરીના ઘા ઝીંકી દઈ હુમલો કરતા ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચાર શખ્સોની અટકાયત કરી હતી.
આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતા ૧૭ વર્ષના સગીરને ગામની જ કિશોરીને પોતાની સાથે સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરી હેરાન કરતો હતો.
જેથી કિશોરીના માતા-પિતાને આ અંગેની જાણ થતા તેઓ ગઈકાલ રાતે સગીર યુવકના ઘરે ઠપકો આપવા ગયા હતા. જ્યાં સગીર તેના માતા- પિતા અને ભાઈએ ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો.
સગીરે છરીના ઘા ગળા અને પેટના ભાગે મારતા કિશોરીના પિતા ઈજાગ્રસ્ત બન્યા હતા.
૧૦૮ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત કિશોરીના પિતાને સારવાર અર્થે ખસેડાયા હતા. આંકલાવ પોલીસે કિશોરીની માતાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી સગીર સહિતના ચારની અટકાયત કરી હતી.