તું દારૂ પીવાની કેમ ના પાડે છે..? લાલપુરના મેઘપરમાં યુવાન પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા પરપ્રાંતિય યુવાન પર દારૂનો નશો કરવાનીના પાડવા અંગેના પ્રકરણમાં તકરાર કર્યા પછી છરા- લોખંડના પાઇપ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે આઠ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર નજીક મેઘપરમાં રહેતા અને મૂળ પંજાબ રાજ્યના ગુરુદાસ પુરના વતની નરેન્દ્રસિંઘ તારાસિંઘ અઠવાલ નામના યુવાન પર છરા તેમજ લોખંડના પાઇપ સહિતના હથિયાર સાથે ધસી આવેલા નિશાંતસિંઘ સરગીલ, નરેન્દ્રસિંઘ ઉર્ફે હૅપ્પી તથા રાજા ઉપરાંત અન્ય પાંચ જેટલા શખ્સોએ મળીને હુમલો કરી દેતાં લોહી લુહાણ બન્યો હતો, તેના દાંત પડી ગયા હતા. આથી તેને 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જે હુમલા સમયે ઇજાગ્રસ્ત યુવાનની સાથે રહેલા હેપી લખવિંદરસિંઘ નામનો યુવાન તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો, આથી તેના ઉપર પણ તમામેં હુમલો કરી દીધો હતો.
આ બનાવ અંગે જતીનદર સિંગ ઉર્ફે હેપ્પી એ પોતાના મિત્ર નરેન્દ્રસિંઘ તારાસિંઘ અઠવાલ ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ પોતાને પણ માર મારવા અંગે નિશાંતસિંઘ સરગીલ, હરપ્રિતસિંઘ ઉર્ફે હેપી તેમજ રાજા અને તેના અન્ય પાંચ સાગરીતો સામે મેઘપર પોલીસ મથકમાં નોંધાવતાં મેઘપર પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી નિશાતસિંઘ કે જે દારૂનો નશો કરતો હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને દારૂ નહીં પીવા બાબતે ઠપકો આપ્યો હતો, જે પસંદ ન હોવાથી તેનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ તમામ હુમલાખોરોને શોધી રહી છે.