મંજુસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું કૃત્ય પી.આઇ.ની ખોટી સહી કરી સયાજીમાંથી ડેડબોડી લઇ જવાનો પ્રયાસ
ડોક્ટરે રાવપુરા પોલીસને જાણ કરી : કોન્સ્ટેબલે પી.આઇ. તરીકે અન્ય વ્યક્તિ સાથે ડોક્ટરની વાત કરાવી
વડોદરા,મંજુસર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા પી.આઇ.ની ખોટી સહી, ખોટા મોબાઇલ નંબર આપીને ખોટા વ્યક્તિ સાથે ડોક્ટરને વાત કરાવી ડેડબોડી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે ડોક્ટરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
સાવલી તાલુકાના મંજુસર ગામે રહેતા ૨૬ વર્ષના કાજલબેન રાહુલસિંહ વાઘેલાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. લાંબા સમયની આંતરડાની બીમારીના કારણે મહિલાનું મોત થયું હતું. જે અંગે મંજુસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સગા સંબંધીઓની પૂછપરછ કરતા બીમારીના કારણે કુદરતી રીતે મરણ થયું હોવાથી તેઓ પી.એમ. કરાવવા માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી, મંજુસર પોલીસ સ્ટેશનના હે.કો. હરપાલસિંહ વનરાજસિંહે બોડી પી.એમ. વગર પરિવારજનોને સોંપવા માટે સયાજી હોસ્પિટલના ડોક્ટરને રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટમાં મંજુસર પી.આઇ.ની ખોટી સહી કરી, ખોટો મોબાઇલ નંબર લખ્યો હતો. તેમજ તે નંબર પર ડોક્ટરે કોલ કરતા અન્ય વ્યક્તિએ પોતાની ઓળખ મંજુસર પી.આઇ. તરીકે આપી ડોક્ટર સાથે વાત કરાવી હતી. જે અંગે ડોક્ટરને જાણ થતા તેમણે હે.કો. હરપાલસિંહ સામે કાર્યવાહી કરવા માટે રાવપુરા પોલીસને જાણ કરી હતી.
રાવપુરા પોલીસે તપાસ માટે હાથ અદ્ધર કરી દીધા
વડોદરા,ડોક્ટરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે વર્ધી લખાવી હતી. તેની તપાસ રાવપુરા પોલીસે કરવાના બદલે વર્ધી તે પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધી કે જ્યાં હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. મંજુસરના કોન્સ્ટેબલે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખોટી સહી કરી ખોટી વ્યક્તિની ઓળખ પી.આઇ. તરીકે આપી ડોક્ટર સાથે વાત કરાવી હતી. તેમછતાંય રાવપુરા પોલીસે પોતે તપાસ કરવાના બદલે મંજુસર પોલીસને ખો આપી દીધી હતી.
મંજુસર પી.આઇ. કહે છે કે, કશું ખોટું થયું નથી
વડોદરા,મંજુસર પોલીસ સ્ટેશનના પી.આઇ.એ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલે કંઇ જ ખોટું કર્યુ નથી. મારા વતી સહી કરતા હોવાનો ઉલ્લેખ કરીને તેણે રિપોર્ટ આપ્યો હતો. તેમછતાંય ડોક્ટરે કહેતા મેં મારી સહીથી રિપોર્ટ મોકલી દીધો હતો. હે.કો. હરપાલસિંહ જાતે જ આ કેસની તપાસ કરતા હતા. જેથી, તેઓને ડેડબોડી સોંપવા સામે કોઇ વાંધો ન હોવો જોઇએ.
આવી નિષ્કાળજી કેટલીક વખત ડોક્ટર અને પોલીસને મુશ્કેલીમાં મૂકી દે છે
વડોદરા,સયાજી હોસ્પિટલમાં કેટલીક વખત ડેડબોડી બદલાઇ જવાના કિસ્સા બનતા પોલીસ અને ડોક્ટર દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવતી હોય છે. કામગીરીમાં કોઇ ભૂલ ના થાય તે માટે તંત્ર દ્વારા સમગ્ર કામગીરી માટે એક ગાઇડ લાઇન બનાવવામાં આવી છે. તેનું યોગ્ય રીતે પાલન થાય તો કોઇ પ્રોબ્લેમ આવતો નથી. આ કેસમાં જાણકારોના મતે હે.કો.નો ઇરાદો કોઇ ગુનાઇત કૃત્ય કરવાનો નહતો. પરંતુ, તેને પોલીસ સ્ટેશન જઇને પી.આઇ.ની સહી કરાવીને પરત આવવું ના પડે તે માટે તેણે આવું કર્યુ હોઇ શકે.