હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પુત્રની 25 દિવસે ધરપકડ,BMW પણ કબજે ના લીધીઃPI ની બદલી, ACP ને તપાસ
વડોદરાઃ સમા-સાવલી રોડ વિસ્તારમાં એક મહિના પહેલાં બનેલી હિટ એન્ડ રનના કેસમાં વિવાદ સર્જાતાં એસીપીને તપાસ સોંપવામાં આવી છે.
કારેલીબાગની પુરૃષોત્તમ સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષીય કાન્તિલાલ ઠક્કર ગઇ તા.૧૬મીએ પરોઢિયે દુકાનનો કચરો નાંખવા માટે નજીકમાં આવેલી સમા-સાવલી રોડ પરની પાયલ પાર્ક સોસાયટીના નાકે ગયા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું.
આ કેસમાં હરણી પોલીસે ખૂબ જ ધીમી ગતિએ તપાસ કરી હતી અને બનાવ ગંભીર હોવા છતાં પ્રોબેશનર પીએસઆઇને તપાસ સોંપી હતી.વળી પોલીસે આ કેસમાં ૨૫ દિવસ પછી કાર ચાલક બિલ્ડર પુત્ર પિનાક મુકેશભાઇ સોરઠિયા(આસુતોષ સોસાયટી, કારેલીબાગ)ની ધરપકડ કરી ત્રણેક કલાકમાં જ છોડી દીધો હતો.વળી આ કેસમાં તેની બીએમડબલ્યુ કાર પણ કબજે લેવામાં આવી નહતી.
ઉપરોક્ત બનાવને પગલે પોલીસ કમિશનરે પીએસઆઇ પાસેથી તપાસ પરત લઇ એસીપી જી બી બાંભણીયાને સોંપી છે.તો બીજીતરફ પોલીસ કમિશનરે હરણીન પીઆઇ આરડી ચૌહાણની બદલી લીવરીઝર્વમાં કરી છે.જ્યારે,તેમની જગ્યાએ વાડી પોલીસના પીઆઇ એસ વી વસાવાને મુકવામાં આવ્યા છે.
પીધેલા ભાઇને પકડાવવા ગયેલા યુવકને હરણી પોલીસે પરેશાન કરી મૂક્યો
હરણી પોલીસે ગઇ મોડીરાતે દારૃ ઢીંચી ધાંધલ મચાવતા ભાઇને પકડાવવા માટે આવેલા યુવક સાથે આરોપી હોય તે રીતે વર્તણૂક કરી હોવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.
હરણી ગામના લીંબડી ફળિયામાં રહેતા ચિરાગ વાઘેલાએ તેનો ભાઇ જિગ્નેશ દારૃ પી ને ધમાલ કરી રહ્યો હોવાની જાણ કંટ્રોલ રૃમને કરતાં હરણી પોલીસને તરત જ સ્થળ પર જવા સૂચના અપાઇ હતી.
હરણી પોલીસે જિગ્નેશની અટકાયત કરી હતી અને ત્યાબાદ તેનો ભાઇ ચિરાગ હરણી પોલીસ સ્ટેશને દારૃના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવા ગયો ત્યારે તેની સાથે પોલીસે આરોપીની જેમ વર્તન કર્યું હતું.ચિરાગે કહ્યું છે કે,મને મોડી રાત સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો અને એક તબક્કે પોલીસ ધોલધાપટ કરવા તૈયાર થઇ ગઇ હતી.