સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પાટા પર મૂકેલા લોખંડના ટુકડાથી એન્જિનને નુકસાન
Bhavnagar-Okha Train Derails Attempt : ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. અહીં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઇપને નુકસાન થયું હતું. છેવટે બીજા એન્જિન સાથે ટ્રેન જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ ફરી એકવાર બોટાદ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓખાથી ભાવનગર જઇ રહેલી ટ્રેન લોખંડના પાટા સાથે અથડાઇ હતી. જેના લીધે ટ્રેનનું એન્જિન બંધ થઇ ગયું છે. આ ઘટનાની જાણ થતાં બોટાદ રેલવે પોલીસ પોલીસ તથા રેલવેના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ બોટાદ પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસનો દૌર શરૂ કરી દીધો છે. આ ઘટના કેવી રીતે બની હતી, કોણે કાવતરું રચ્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.