સુરત બાદ વડોદરામાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ સ્થાપના કરી તે બિલ્ડિંગ પર અરબી ઝંડો લગાવ્યો
Attempt To Disturb Peace in Vadodara: સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ રાજ્યમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરામાં શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. જો કે, બાદમાં સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વડોદરાના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર રવિવારે (આઠમી સપ્ટેમ્બર) અરબી ઝંડા લાગ્યા હતા. જ્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે તે ટાવરમાં પણ ઝંડા લાગ્યા હતા. આ કાવતરા સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જો કે બાદમાં આ મુદ્દે સ્થાનિક કૉર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચીને ઝંડો ઉતરાવી લીધો હતો. ત્યાર બાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.
સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રવિવારે (આઠમી સપ્ટેમ્બર) રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રીક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરુણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતા.
આ પણ વાંચો: સુરતના પથ્થરમારાની ઘટના બાદ ગૃહ મંત્રીએ કહ્યું- 'કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'