Get The App

સિટિ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ

ઠંડીમાં ઓઢવા માટે આપેલી ચાદરનો છેડો ફાડી ગળા પર વીંટાળી ફાંસો ખાવાની કોશિશ કરી

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
સિટિ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ 1 - image

 વડોદરા,યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં સામેલ આરોપી છેલ્લા ૯ વર્ષથી વોન્ટેડ આરોપીને સિટિ પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. લોકઅપમાં જ તેને ચાદરનો છેડો ફાડીને ફાંસો ખાવાનો પ્રયાસ કરતા ડયૂટિ પર હાજર પી.એસ.ઓ. તેને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે લઇ  ગયા હતા.

૯ વર્ષ પહેલા સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી હતી કે, આરોપી  શાંતુ ઇલુભાઇ નિનામા ( રહે. ગામ પાંચખીરીયા, જાંબુવા, મધ્યપ્રદેશ,  હાલ રહે. શુભ દર્શન ગ્રીન ટીમ્બી તળાવ પાસે, હનુમાનપુરા, વડોદરા) યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ગુનામાં આરોપી છેલ્લા ૯ વર્ષથી ફરાર હતો.  આરોપી પકડાતો નહી હોવાથી ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, સિટિ  પોલીસ સ્ટેશનના  પી.આઇ. આર.બી.ચૌહાણે સ્ટાફને તપાસ કરવા માટે આરોપીના વતનમાં મોકલ્યો હતો.  પોલીસની ટીમે બેન્ક કર્મચારીઓનો સ્વાંગ રચી ગ્રામજનો સાથે હળી મળી આરોપીના હાલના સરનામાની વિગતો મેળવી હતી. આરોપી  હનુમાનપુરા રહેતો  હોવાની માહિતી મળતા જ પોલીસ સ્ટાફે તેને ઝડપી પાડયો હતો.  પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીને ઓઢવા માટે ચાદર આપવામાં આવી હતી. તે ચાદરનો છેડો ફાડીને તેણે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. ડયૂટિ  પર હાજર પી.એસ.ઓ.ની નજર પડતા તેઓ લોકઅપ ખોલીને અંદર દોડી ગયા હતા. અન્ય સ્ટાફની મદદથી આરોપીના ગળામાંથી ચાદર કાઢી એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત સુધારા પર છે. આરોપી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવતીકાલે તેના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Google NewsGoogle News