Get The App

રાજકોટમાં પોલીસ મથકમાં PSI અને સ્ટાફ પર હુમલો

- બે ભાઈઓ દ્વારા ગાળાગાળી અને ધમાલ મચાવાઈ

- બંને આરોપીઓની ધરપકડઃ એક યુવાન વેપારી અને બીજો વિદ્યાર્થી

Updated: Nov 5th, 2019


Google News
Google News
રાજકોટમાં પોલીસ મથકમાં PSI અને સ્ટાફ પર હુમલો 1 - image


રાજકોટ, તા. 5 નવેમ્બર 2019,મંગળવાર

શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકનાં ગઈકાલે દિપ વત્સલ વસાણી અને તેના નાનાભાઈ દર્શિતે (રહે. બંને જીવનનગર-૩, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ) પીએસઆઈ પરમાર અને સ્ટાફને બેફામ ગાળો ભાંડી હુમલો કર્યાની ઘટના બાદ બંને આરોપી ભાઈઓ સામે ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.

બંને આરોપીઓ કોઈ ક્રિમીનલ નથી. આરોપી દીપ ઈલેક્ટ્રોનીક સામાન વેંચે છે જ્યારે તેનો ભાઈ દર્શિત અભ્યાસ કરે છે. આમ છતાં બંને ભાઈઓએ કેવા સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો કર્યો તે તો હવે ઉંડી તપાસનો વિષય છે.

આ બનાવ અંગે કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પીએસઆઈ વી.સી. પરમાર સાથે ઈન્વ. રાઈટર તરીકે ફરજ બજાવે છે.

ગઈકાલે જામનગર-૨માં રહેતા અરજદાર કેતન દિનેશભાઈ મકવાણાએ સામાવાલા દિપ અને તેની સાથેનાં છોટા હાથીના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દિપનો મોબાઈલ નંબર મેળવી તેને ગઈકાલે બપોરે પોલીસ મથકે બોલાવાતા તે તેનાં ભાઈ દર્શિત સાથે આવ્યો હતો.

ઈન્વે. રૂમમાં બંને ભાઈઓને છોટા હાથીના ડ્રાઈવર વિશે પુછતા જ ઉશ્કેરાઈ ગયા હતા અને દિપે કહ્યું કે, હું આવી ગયો એટલે હવે મારા ડ્રાઈવરની જરૂર નથી. જેથી તેને ફરીથી પીએસઆઈ પરમાર અને સ્ટાફે ડ્રાઈવર વિશે પુછતા બંને ભાઈઓએ દેકારો મચાવી કહ્યું કે અમે આવી ગયા એટલે બધા જ આવી ગયા તેમ સમજી લો.

'અમે કોઈ મર્ડર કે બળાત્કારનો ગુનો કર્યો નથી' તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. શાંતિથી વાત કરવાનું કહેતા દિપે પીએસઆઈ પરમાર સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ વખતે ડી સ્ટાફનાં સંતોષભાઈ, કનુભાઈ અને પીએસઓ પુષ્પાબેન વગેરે આવી જતા બંને ભાઈઓએ મોબાઈલમાંથી વિડીયો શુટીંગ શરૂ કર્યું હતું.

આખરે બળનો પ્રયોગ કરી મોબાઈલ લઈ લેવાયા હતા. આટલેથી નહીં અટકતા દિપે રૂમની બારણાની પટ્ટી તોડી નાખી હતી. ફરીથી બળનો પ્રયોગ કરી બંને ભાઈઓને કાબુમાં લીધા બાદ આઈપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૪૨૭ અને ડેમજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે અરજદારના ઘર નજીક આરોપી દિપનું ગોડાઉન છે. તેણે અને છોટા હાથીના ચાલકે અરજદારનું જાણી જોઈને સ્કૂટર પાડી નાખતા ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર ઘટના બની હતી.

Tags :