ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
અતિકને ઉમેશ પાલ અપહરણ કેસ મામલે ઉત્તર પ્રદેશ લઈ જવાયો હતો
પ્રયાગરાજ કોર્ટે સજા સંભળાવ્યા બાદ અતિકને પરત સાબરમતી જેલ લવાયો
અમદાવાદ, તા.29 માર્ચ-2023, બુધવાર
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી ગઈ છે. અતિકને ઉમેશ પાલ અપહરણ કેસ મામલે ઉત્તર પ્રદેશ લઈ જવાયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસની 24 સભ્યોની ટીમ અતીકને પ્રયાગરાજથી લઈ સાબરમતી જેલમાં પરત ધકેલવા માટે મંગળવારે રવાના થઈ હતી. તો આજે UP પોલીસ ટીમ અતિકને લઈને સાબરમતી જેલ પહોંચી ગઈ છે.
પ્રયાગરાજ કોર્ટે અતિક સહિત 3 આરોપીને ઠેરવ્યા દોષિત
17 વર્ષ જૂના ઉમેશ પાલના અપહરણ કેસમાં ઉત્તર પ્રદેશની પ્રયાગરાજની MP-MLA કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ગેંગસ્ટર અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. વિશેષ અદાલતે તેને IPCની કલમ 364A હેઠળ દોષિત ઠેરવ્યો. કોર્ટે આ કેસમાં અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીકના ભાઈ અશરફને બરેલી અને હનીફને ચિત્રકૂટ જેલમાં ધકેલી દેવાયો છે. અતિખ અહેમદ, દિનેશ પાસી ખાન અને શૌલત હનીફને દોષિત જાહેર કર્યા છે જ્યારે અતીકના ભાઈ અશરફ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાઝ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા છે. સજા સંભળાવ્યા બાદ અતિકને પરત સાબરમતી જેલમાં લઈ જવામાં આવીરહ્યો છે.
શું હતો કેસ ?
બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
અતિક 2019થી સાબરમતી જેલમાં બંધ
અતિક અહમદની 2017ના ફેબ્રુઆરીમાં એક યુનિવર્સિટીના સ્ટાફને મારવા બદલ જેલભેગો કરાયો ત્યારથી જેલમાં જ છે. જો કે અતિક યુપીની જેલોમાં બેઠાં બેઠાં ખંડણીખોરી કરતો હતો તેથી તેને અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો છે. અતિકની 2017માં ધરપકડ કરાઈ પછી દેવરીયા જેલમાં રખાયેલો. અતિકના માણસો બિઝનેસમેન મોહિત જયસ્વાલને ઉઠાવીને દેવરીયા જેલમાં લઈ આવેલા. જયસ્વાલ ખંડણી નહોતો આપતો તેથી અતિકે તેને જેલમાં લાવીને ફટકાર્યો હતો. ખંડણી નહીં આપે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. યુપીમાં યોગી મુખ્યમંત્રી બની ચૂક્યા હોવાથી તેમણે જયસ્વાલને સુરક્ષાની ખાતરી આપીને ફરિયાદ કરાવડાવી. આ કેસમાં અતિક દોષિત ઠર્યો પછી તેને બરેલી જેલમાં મોકલી અપાયેલો. બરેલી જેલમાંથી પણ તે ક્રાઈમ નેટવર્ક ચલાવતો તેથી તેને 2019ના જૂનમાં સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો.
કોર્ટમાં બોમ્બ ફેંકાયા છતાં અતિક બચી ગયેલો
અતિક અહમદ ધારાસભ્ય હતો ત્યારે ૨૦૦૨માં તેને પતાવી દેવા જીવલેણ હુમલો કરાયેલો. અતિકને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના પર બોમ્બ ફેંકાયો હતો. અતિક ઘાયલ થયો હતો પણ તેનો જીવ બચી ગયો હતો. યુપીમાં એ વખતે માયાવતી મુખ્યમંત્રી હતાં. અતિકે આક્ષેપ મૂકેલો કે, માયાવતીએ એસપી લાલજી શુકલાને પોતાને ખતમ કરવાની સોપારી આપેલી. શુકલાના માણસોએ તેના પર બોમ્બ ફેંકેલો. અતિકની આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી.