રઢુના આ શિવ મંદિરે રોજ ચઢે છે ચાર મણ ઘી, 700 વર્ષથી સચવાયેલું ઘી પણ એવું ને એવું
ના તો સ્વાદમાં કોઈ ફર્ક, ના તો વાસ કે ફૂગની સમસ્યા
કાળઝાળ ગરમીમાં પણ ઓરડામાં ઘી જેમનું તેમ
ઘી ગરમીમાં બે કે ચાર મહિના પડી રહે તો પણ તેમાંથી વાસ આવવા લાગે અથવા તો ફૂગ આવી જાય. પણ ખેડાના રઢુ ગામમાં આવેલા કામનાથ મહાદેવ મંદિર વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ મંદિરના ઓરડામાં 700 વર્ષ જૂનું અંદાજે 14 થી 15 હજાર કિલો ઘી એમનું એમ સચવાયેલું પડ્યું છે. વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી અને અન્ય ઋતુઓનો માર વેઠીને પણ આ કાળા માટલાઓમાં સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ છે. ગંધ તો ઠીક અહિં કીડી-મકોડાનો પણ ઉપદ્રવ નથી.
પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે, મંદિરે રોજ 4 મણ ઘી ચડે, જેને ના તો મંદિરની બહાર લઇ જવાય કે ના બીજા ઉપયોગમાં લઈ શકાય. માન્યતા પ્રમાણે જો કોઈ આવું કરે તો તેને મોટું નુકશાન ભોગવવું પડે.
કામનાથ મહાદેવના ગર્ભગૃહમાં બે મોટી અખંડ જ્યોત વર્ષોથી સતત પ્રજ્વલ્લિત છે. આ સિવાય આખો શ્રાવણ મહિનો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રાખવામાં આવે છે, જેમાં કેટલુયે ઘી હોમી દેવા છતાં ઘીનો જથ્થો સતત વધતો જ જાય છે.
આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ ઘણી માન્યતાઓ છે. રઢુ તથા તેની આસપાસના ગામમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચાં જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરાય છે. શ્રદ્ધાળુ પોતાની આસ્થા મુજબ માન્યતા રાખે છે, જે પૂરી થતાં ઘી ચડાવે છે.
કિલોથી લઈને ડબ્બાઓ ભરીને ઘી ગામેગામથી આવે છે, જેના કારણે અહિં હજારો કિલો ઘી ભેગું થઈ ગયું છે. માનો કે ન માનો પરંતુ આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો, જેની પાછળનું રહસ્ય આજ દિન સુધી કોઈ નથી જાણી શક્યું.