Get The App

સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકે વ્યાજખોરના માનસીક ત્રાસ અંગે ફરિયાદ નોંધાઈ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકે વ્યાજખોરના માનસીક ત્રાસ અંગે ફરિયાદ નોંધાઈ 1 - image


- રૂા. 20 લાખ 12 % વ્યાજે આપ્યા બાદ કડક ઉધરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

- બંદુક બતાવી ધમકી આપ્યાનો ફરીયાદમાં ઉલ્લેખ

- દર મહિને 60 હજાર વ્યાજ ચૂકવતો હતો

- સુરેન્દ્રનગરના યુવાનને વ્યાજની ઉઘરાણીમાં બંદૂક બતાવી સમાજના શખ્સની ધમકી

- 20 લાખ રૂપિયા 12 ટકા વ્યાજે લીધા, ચક્રવૃધ્ધિ વ્યાજ ચઢાવી શખ્સે પઠાણી ઉઘરાણી કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા યુવાને સમાજના જ શખ્સ પાસેથી ૨૦ લાખ રૂપિયા ૧૨ ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને ૬૦ હજાર વ્યાજ પણ ચૂકવતા હતા. બાદમાં શખ્સે ચક્રવૃધ્ધિ વ્યાજે વ્યાજની ઉઘરાણી કરી બંદૂક બતાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

શહેરની વિવેકાનંદ-૧ સોસાયટીમાં અંધ વિદ્યાલય પાસે રહેતા યુવક અને ફરિયાદી દિનેશભાઈ કાનાભાઈ મુંધવાએ ત્રણ વર્ષ પહેલા ભેંસોના લે-વેચના વેપાર ધંધા માટે તેમના જ સમાજના અમીતભાઈ ગોપાલભાઈ ડાભી જેઓ વ્યાજ વટાવનો ધંધો કરે છે તેમની પાસેથી રૂા.૫ લાખ ૧૨% વ્યાજે લીધા હતા. દર મહિને રૂા.૬૦ હજાર વ્યાજ ચુકવતા હતા. ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતા રૂા.૧૫ લાખ પણ કટકે કટકે ૧૨% વ્યાજે લીધા હતા. જેનું તેઓ નિયમિત વ્યાજ ચુકવતા હતા.

છેલ્લા પાંચ મહિનાથી ફરિયાદીની આર્થિક સ્થિતિ કથળતા વ્યાજની રકમ આપવાનું બંધ કર્યું હતું. આથી અમીતભાઈએ વ્યાજના રૂપિયાનું ચક્રવૃધ્ધિ વ્યાજ ગણી ફરિયાદી પાસે રૂા.૫૫ થી ૬૦ લાખ લેણા નીકળતા હોવાનું જણાવી વારંવાર પઠાણી ઉધરાણી કરતા હતા. આથી ફરિયાદીએ ઘરમેળે વાતચીત કરી રૂા.૨૭ લાખ વ્યાજ સહિત ચુકવવાના બાકી નીકળતા હોવાનું નક્કી કરી દર મહિને ૧૦ તારીખ સુધીમાં રૂા.૧ લાખ ચુકવી આપવાનું નક્કી કર્યું હતું. 

ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી રૂા.૧ લાખ મુજબ ચાર લાખ જેટલી રકમ ચુકવી દીધી હતી. જ્યારે ચાલુ મહિને ફરિયાદી નક્કી થયા મુજબ રૂા.૧ લાખ ન ચુકવી શકતા અવાર-નવાર અમીતભાઈ રૂપિયાની કડક ઉધરાણી કરતા હતા. આથી ફરિયાદીએ રૂા.૨૦ હજાર ઓનલાઈન ચુકવી આપ્યા હતા પરંતુ તેમ છતાંય બાકીના રૂપિયા માટે કડક ઉધરાણી કરી ફરિયાદીના ઘરે આવી રૂપિયાની પઠાણી ઉધરાણી કરી ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલ થેલીમાંથી બંદુક જેવું હથિયાર વડે ફરિયાદીને ડરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે અમીતભાઈ ગોપાલભાઈ ડાભી રહે.કરમણપરા સુરેન્દ્રનગરવાળા સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News