નવાં વર્ષે ગીરમાં પશુઓને સિંહ સામે બાથ ભીડવાની તાલીમ અપાય છે
સિંહોના ઘર ગીરમાં 'બાણ' નાખવાની અનોખી પરંપરા લોખંડના ડબ્બામાં પથ્થર સહિતની વસ્તુઓ ભરી તેને કોથળામાં નાખી ભેંસો વચ્ચે ફેરવી માલધારીઓ હાકોટા પડકારા કરે જેને ભેંસો સિંહ સમજીને શિંગડા મારી પાછળ દોડે છે
જૂનાગઢ, : દિપાવલી પર્વના તમામ દિવસોને પવિત્ર દિવસો માનવામાં આવે છે પરંતુ તેમાં ખાસ નવા વર્ષના દિવસને ખુબ જ શુકનવંતો દિવસ માનવામાં આવે છે. બેસતા વર્ષના દિવસે પોતાના ધંધાની શુભ મુહૂર્તમાં શરૂઆત કરવાની પરંપરા છે ત્યારે ગીરમાં વસતા માલધારીઓનું બેસતું વર્ષ તમામ કરતા અલગ રીતે ઉજવવામાં આવે છે. ભેંસોએ કાયમ સિંહોની સામે બાથ ભીડવાની હોવાથી માલધારીઓ પોતાની ભેંસોને નવા વર્ષના દિવસે વનરાજ સામે લડવાની બાણ તાલીમ આપી નવા વર્ષની શરૂઆત કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે.
સિંહોની સાથે તેના વિસ્તાર એટલે કે જંગલમાં રહેવું એ એક પડકાર જ છે. તેમાંય ખાસ સિંહોનો ખોરાક એવા પશુઓને નિભાવવા અને તેમાંથી પોતાના પરિવારનું ભરણપોષણ કરવું એક ચેલેન્જ છે છતાં પણ જંગલના માલધારીઓ તેમના પશુઓને ખુંખાર વનરાજો સામે ટક્કર લેવાની હિંમત આપતા હોય છે.
ગીરની ભેંસો સિંહ સામે ટક્કર ઝીલે છે અને સિંહ ભેંસોના ટોળામાં શિકાર કરતા પહેલા સો વાર વિચાર કરે છે. માલધારીઓ પોતાની ભેંસોને નવા વર્ષના દિવસે બાણ નાખી સિંહ સામે લડવાની ટ્રેનિંગ આપતા હોય એ રીતે એક પ્રયોગ કરે છે. બેસતા વર્ષના દિવસે પશુઓને શીંગડા પર ઘી લગાવીને શીંગડા ઠંડા કરે છે અને પછી ભેંસોને ચારવા માટે જતા પહેલા પોતાના નેસની બહાર નીકળી બાણ નખાવે છે. જેના કારણે ભેંસને ખાસ પ્રકારની તાલીમ આપી ગણાય છે.
બાણ નાખવાની પરંપરાથી ભેંસને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં ખાલી ગુણીમાં લોખંડના ડબ્બામાં પથ્થર સહિતની ભારે વસ્તુઓ ભરે છે તે કોથળાને ભેંસો વચ્ચે ફેરવે છે. સાથે માલધારીઓ હાકોટા પડકારા કરે છે અને અને ભેંસો તેને સિંહ સમજીને ભાંભરે-રાંભોળા કરે છે. ભેંસો તેમાં શિંગડા મારે અને પાછળ દોડે છે. આવી તાલીમના ભાગરૂપેેએક શુકન સાચવવા માટે આ ભેંસો ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આવી ઘટના માલધારી અને તેની સાથે જોડાયેલા લોકોને જ જોવા મળે છે.
સવારે 4 વાગ્યાથી એ.. રામ.. રામ..થી થાય છે નવા વર્ષની શરૂઆત
નેસનું બેસતું વર્ષ કેવું હોય એ સાહજિક સવાલ થાય. ત્યાંના લોકો એ દિવસે 4 વાગ્યે જાગી જાય, ગાય-ભેંસ દોહી, સ્નાન કરી, સફેદ ચોરણી, ઝભ્ભો, ખંભે કાળી શાલ નાખી એક ઘરેથી બીજા ઘરે એ... રામ.. રામ.. રામ.. રામ.. કરે છે. દરેકના ઘરે ખાટલા પર જ થાળીમાં નાળિયેર, સાકર, પીપર, તો ક્યાંક ખાંડ અને ચા પોતાની રીતે લેતાં જાય અને મીઠું મોં કરતા જાય છે. યુવાનો સૌથી વહેલા રામ રામ કરવા નીકળે છે. માલધારીઓની મહિલાઓના દુઃખણા લેવડાવતા જાય અને દુઃખણા લેતી વખતે ટચાકિયા ફૂટે તો કે બહુ વહાલો હોવાનું માનવામાં આવે છે. માલધારી વડીલો એક બીજાના ઘરે જઈ રામ રામ કરે અને છેલ્લે બહેનો કામકાજ કરી એક બીજાના ઘરે જઈ રામ રામ કરી ચા-પાણી પી નવું વર્ષ નવા ઉમંગ સાથે ઉજવે છે.