ડિપોઝિટ પાછી માંગનાર એજન્ટોનો મહિલા બ્રાન્ચ મેનેજર અને માતા પર પર હુમલો,ચેન-સ્કૂટર ઉઠાવી ગયા
વડોદરાઃ પંજાબની કંપનીની વડોદરા બ્રાન્ચ બંધ થઇ જતાં કમિશનથી નોકરી કરનાર એજન્ટોએ ડિપોઝિટ પરત માંગી મહિલા બ્રાન્ચ મેનેજર અને તેની માતા સાથે ઝપાઝપી કરી ચેન તેમજ સ્કૂટર ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતાં છાણી પોલીસે ગુનો નોંધ્યો છે.
છાણી કેનાલ નજીક રોમનપાર્કમાં રહેતા કાજલ ચૌહાણે પોલીસને કહ્યું છે કે,પ્રોડક્ટ સેલિંગનું કામ કરતી પંજાબની વી બીલીવ કંપનીની વડોદરાની બ્રાન્ચમાં કેટલાક સમયથી ઉપરી અધિકારીઓએ નોકરી છોડી દેતાં મને બ્રાન્ચ મેનેજર તરીકે કામ સોંપાયું હતું.
અમારી કંપની પગાર પર નહિ પણ કમિશનથી એજન્ટો રાખતી હતી.મેં ખુદ પણ કંપનીને રૃ.૮૫૦૦ ડિપોઝિટ આપી હતી.મેં રાખેલી આરતી અને નિશાએ ૫૦ જેટલા છોકરા-છોકરીઓ રાખ્યા હતા.અમારી કંપનીમાં જે એજન્ટ એક મહિનામાં કામ છોડે તેને જ ડિપોઝિટ પરત આપવામાં આવે છે.ચાર એજન્ટ મારી પાસે ડિપોઝિટ માંગતા હોવાથી મેં તેમને કંપનીના નિયમ સમજાવ્યા હતા.
આમ છતાં ચાર એજન્ટો મારી પાસે રકમ માંગી ફોન કરી ને હેરાન કરતા હતા.એક મહિના પહેલાં કંપનીની બ્રાન્ચ બંધ થઇ જતાં એજન્ટો મારી પાસે ઉઘરાણી કરતા હતા.ગઇરાતે તેઓ મારે ત્યાં આવ્યા હતા અને મારી તેમજ મારી માતા સાથે ઝપાઝપી કરી હતી.આ પૈકી સચિન પરમારે તેની બહેન તેજલ અને ભાઇ નિકુંજને પણ બોલાવ્યા હતા.સચિને મારી માતાના ગળાની સાત ગ્રામની ચેન કાઢી લીધી હતી અને તેઓ મારું સ્કૂટર પણ લઇ ગયા હતા.જેથી છાણી પોલીસે ક્રિષ્ના માળી,વિરુદેવ ભીલ,સચિન પરમાર, વિશાલ પરમાર,તેજલ અને નિકુંજ પરમાર સામે ગુનો નોંધ્યો છે