ઘરેથી પેમેન્ટ આપું કહી શો-રૂમમાંથી રૂ. 75 હજારનો આઇફોન 15 લઇ ગઠિયો રફુચક્કર
- મોટા વરાછાના શોપીંગ સેન્ટરથી કર્મચારીને વરાછાના શીવધારા કોમ્પ્લેક્ષમાં લઇ ગયો પણ ત્યાં રહેતો જ ન હતો, ફોન નંબરના આધારે રત્નકલાકાર ઝડપાયો
સુરત
મોટા વરાછાના પ્લેટિનીયમ પ્લાઝામાં આવેલી એ-વેન મોબાઇલ નામના શો-રૂમમાંથી આઇ ફોન 15 ખરીદી ઘરેથી પેમેન્ટ આપવાના બહાને શો-રૂમના કર્મચારીને સાથે લઇ ગયા બાદ ગ્રાહક રફુચક્કર થઇ ગયો હતો. જો કે પોલીસે મોબાઇલ નંબરના આધારે ગ્રાહકના સ્વાંગમાં છેતરપિંડી કરનાર રત્નકલાકારને ઝડપી પાડી મોબાઇલ કબ્જે લીધો છે.
કાપોદ્રાના મહાગુજરાત શોપીંગ સેન્ટરમાં આવેલી એ-વન મોબાઇલ નામની દુકાનમાં નોકરી કરતા રાહુલ દિનેશ પારવાની (ઉ.વ. 22 રહે. સ્વપ્નવિલા રો હાઉસ, નંદસાડ રોડ, કામરેજ, સુરત) ને મોટા વરાછાના પ્લેટીનીમ પ્લાઝામાં આવેલી એ-વેન મોબાઇલની બીજી બ્રાંચના મેનેજર કલ્પેશ વઘાસીયાએ ગત 7 માર્ચે આઇ ફોન 15 નું અજાણ્યા ગ્રાહકના નામે બિલ બનાવી તેની સાથે પેમેન્ટ લેવા ગ્રાહકના ઘરે મોકલાવ્યો હતો. ગ્રાહક સાથે રાહુલ મોટા વરાછાના શીવધારા કેમ્પસ ખાતે ગયો હતો.જયાં ગ્રાહકે રાહુલને નીચે ઉભા રહેવાનું કહી પોતે ઘરેથી પેમેન્ટ લઇને આવે છે એમ કહી લીફટમાં ઉપર ગયો હતો. ત્યાર બાદ ગ્રાહકે રાહુલને ફોન કરી તમે ફ્લેટ નં. 602 માં આવી પેમેન્ટ લઇ જાવ એવું કહેતા રાહુલ છઠા માળે ગયો હતો. પરંતુ ત્યાં જે વ્યક્તિએ મોબાઇલ ખરીદયો હતો તે ત્યાં રહેતો ન હતો. જેથી રાહુલે અજાણ્યા વિરૂધ્ધ રૂ. 75 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ઉત્રાણ પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી ગ્રાહકના સ્વાંગમાં છેતરપિંડી કરનાર રત્ન કલાકાર કેવલ માવજી તેજાણી (ઉ.વ. 32 રહે. ત્રિકમ નગર-2, વરાછા અને મૂળ. રાણીગામ, તા. ગારિયાધાર, ભાવનગર) ની ધરપકડ કરી છે.